દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બપોર બાદ પલટાયેલા વાતાવરણ વચ્ચે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આવેલા દરિયામાં નોંધપાત્ર કરંટ આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાના દરિયામાં ગઈકાલે સાંજે ભારે કરંટ જોવા મળ્યો હતો અને દરિયામાં પાંચથી સાત ફૂટ જેટલા વિશાળ મોજા ઉછળ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી અંતર્ગત સ્થાનિક પ્રશાસન દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. જેથી માછીમારી કરવા દરિયામાં ગયેલી દ્વારકા જિલ્લાની મોટા ભાગની બોટો પરત પણ આવી ગઈ હતી.
ગઈકાલે સવારથી જ જિલ્લામાં સુર્યનારાયણની સંતા કૂકડી વચ્ચે વાદળછાયા વાતાવરણ સાથે બપોર બાદ ભારે પવન ફુંકાયો હતો અને પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. દ્વારકામાં આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. જિલ્લાના દરિયાકાંઠે આશરે પાંચથી સાત ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.
ફિશરીઝ વિભાગના જણાવાયા મુજબ જિલ્લાની આશરે 4,600 ફિશીંગ બોટો પૈકી 2,500જેટલી બોટો દરિયા કાંઠે પરત આવી ગઈ છે.