રાજ્યમાં ડોગ બ્રિડિંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીઓ અને વ્યક્તિઓએ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર ખાતે તેમના ફર્મની નોંધણી ફરજિયાત કરવાની રહેશે. ફર્મના રજીસ્ટ્રેશન વગર કોઇ પેટશોપ પણ ચલાવી શકાશે નહીં. આકસ્મિક તપાસમાં રજીસ્ટ્રેશન વગર આ પ્રકારની કોઇ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ મળી આવશે તો તેમની સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (પેટ શોપ) અને પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (ડોગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગ) એક્ટ અંતર્ગત કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામા આવશે, તેમ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.
પેટશોપ અને ડોગ બ્રિડિંગ એન્ડ માર્કેટિંગનું રજીસ્ટ્રેશન રાજ્યમાં ફરજિયાત કરવામાં આવ્યુ છે. રૂા. 5000ની નોંધણી ફી સાથે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ખાતે પેટશોપ અને ડોગ બ્રિડિંગ એન્ડ માર્કેટિંગનો વ્યવસાય કરતાં વેપારીઓ અને વ્યક્તિઓએ તેમના ફર્મની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે.
વર્ષ-2020થી આ નોંધણી ફરજિયાત કરવામાં આવી હોવા છતાં રાજ્યમાં આ વ્યવસાય કરતાં વેપારીઓ અને વ્યક્તિઓએ તેમના ફર્મનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાથી હવે આકસ્મિક તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલુ જ નહીં, પેટશોપ અને ડોગ બ્રિડિંગ એન્ડ માર્કેટિંગનો વ્યવસાય કરવા સ્થાનિક પ્રશાસન પાસેથી મેળવેલ મંજૂરી રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનાં સંયુક્ત પશુપાલન નિયામકએ જણાવ્યું છે.