દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો થયા ટ્રાફિક નિયમન મુદ્દે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ખંભાળિયા પોલીસે પણ ટ્રાફિક મુદ્દે કડક વલણ અખત્યાર કરી સઘ ન પેટ્રોલિંગ તેમજ બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે કડક કામગીરી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ખંભાળિયાનો પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે દ્વારકા હાઈવે માર્ગ પર સોનારડી ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક નીકળેલા એક ટ્રકના ચાલકના કારણે ગંભીર અકસ્માત થવાની સંભાવના હોય, આથી પોલીસે દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા ટ્રક ચાલકને તાકીદે ઝડપી લઇ તેની સામે ભારતીય દંડ સંહિતાની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જે સંદર્ભે અહીંના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડોડીયા દ્વારા આ અંગેની કાયદાકીય કાર્યવાહી કરી અને અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર કોર્ટમાંથી મેળવેલા હુકમ અન્વયે આરોપીને જામનગર જિલ્લા જેલ હવાલે મોકલી આપવા આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી સાથે તપાસનીસ અધિકારી ડી.જી. પરમાર, જે.એમ. ડોડીયા તથા રમેશભાઈ માઘર દ્વારા કરવામાં આવી હતી. ખંભાળિયા સહિત જિલ્લામાં તમામ વાહનો ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, સાથે-સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તેમજ ઓવર સ્પીડમાં વહન ન ચલાવી અને પોતાની તથા અન્ય વ્યક્તિઓની પણ સલામતી જાળવી કાયદાનો અમલ કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.