જામનગર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 19મી માર્ચના રોજ અચાનક આવેલા તોફાની પવન અને કમોસમી વરસાદે વ્યાપક અસર થઈ હતી. આ કુદરતી આફતના કારણે PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, PGVCL હેઠળ આવતા જામનગર અને દ્વારકા જિલ્લાના કુલ 726 ગામોમાંથી 452 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તાત્કાલિક કામગીરી હાથ ધરતા વિભાગે ઝડપી પગલાં લીધા હતા, જેના પરિણામે અત્યાર સુધીમાં 448 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 4 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી ચાલુ છે.
તોફાન બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે PGVCL દ્વારા એકસાથે 100થી વધુ ટીમોને યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવી હતી. દિવસ-રાત મહેનત કરીને ટીમોએ મોટા પાયે નુકસાનની વચ્ચે વીજ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી છે.
વિભાગીય આંકડા મુજબ, PGVCLના કુલ 1320 ફીડરમાંથી 728 ફીડરને નુકસાન થયું હતું. તેમાંમાંથી 398 ફીડરને રાત્રિ દરમિયાન જ રીપેર કરીને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 330 જેટલા ફીડર પર રીપેરિંગ કામગીરી ચાલી રહી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે બાકી રહેલા તમામ ફીડર મુખ્યત્વે એગ્રીકલ્ચર વિભાગ સાથે સંકળાયેલા છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તોફાની પવનના કારણે બંને જિલ્લામાં મળી કુલ 255 જેટલા વીજ પોલને નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ નુકસાનનો આંકડો રૂ. 30 લાખથી વધુ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલમાં વિભાગ દ્વારા વિસ્તૃત સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે, જેના આધારે નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે.
હાલ PGVCLની આશરે 100 જેટલી ટીમો મેદાનમાં કાર્યરત રહી વિવિધ વિસ્તારોમાં તૂટી ગયેલા વીજ પોલ, લાઈનો અને ફીડરોને સુધારવાની કામગીરીમાં વ્યસ્ત છે. વિભાગ દ્વારા શક્ય તેટલી વહેલી તકે તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
આ અંગે PGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ હષિત વ્યાસે જણાવ્યું હતું કે, તોફાનને કારણે થયેલા વ્યાપક નુકસાન છતાં ટીમો સતત મેદાનમાં કાર્યરત રહી છે અને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાકી રહેલા વિસ્તારોમાં પણ શક્ય તેટલી વહેલી તકે વીજ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવશે.
આ તોફાનને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ PGVCLની ટીમો દ્વારા ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે.


