Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરૂા.500ની નકલી નોટોની ઘૂસણખોરીમાં સતત વધારો

રૂા.500ની નકલી નોટોની ઘૂસણખોરીમાં સતત વધારો

- Advertisement -

19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંકએ 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. દેશની તમામ બેંકોમાં આ નોટો બજારથી પાછી ખેંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હવે આરબીઆઇના વાર્ષિક રિપોર્ટમાં 500 રૂપિયાની નોટને લઈને એક મોટો ખુલાસો થયો છે. રૂ. 500ની નોટોને લગતી આ મુશ્કેલી કેન્દ્રીય બેન્કની સામે રૂ. 2000ની નોટ બદલવા માટે આપવામાં આવેલી 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા પૂરી થાય તે પહેલા જ સામે આવી છે.
ખરેખર 2000 રૂપિયાની ગુલાબી નોટો બંધ થયા બાદ હવે દેશની સૌથી મોટી ચલણી નોટ રિઝર્વ બેંક માટે માથાનો દુખાવો બની રહી છે. રિપોર્ટ અનુસાર 500ની નકલી નોટોની ઘૂસણખોરી સતત વધી રહી છે. 2022-23માં 500 રૂપિયાની લગભગ 91 હજાર 110 નકલી નોટો પકડાઈ હતી, જે 2021-22ની સરખામણીમાં 14.6 ટકા વધુ છે.
2020-21માં 500 રૂપિયાની 39,453 નકલી નોટો પકડાઈ હતી. જ્યારે 2021-22માં 76 હજાર 669 નકલી નોટો ઝડપાઈ હતી.

- Advertisement -

નકલી નોટો પકડાવા મામલે 500 રૂપિયાની નોટો ઉપરાંત 2000 રૂપિયાની નકલી નોટો પણ સામેલ છે. જો કે, તેની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને નાણાકીય વર્ષ 2022-23માં 2000 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 28 ટકા ઘટીને 9 હજાર 806 નોટો પર આવી ગઈ હતી. 500 અને બે હજાર રૂપિયાની નોટો ઉપરાંત 100, 50, 20, 10 રૂપિયાની નકલી નોટો પણ પકડાઈ છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, બેંકિંગ સેક્ટરમાં કુલ 2 લાખ 25 હજાર 769 નકલી નોટો પકડાઈ હતી, જ્યારે ગયા વર્ષે 2 લાખ 30 હજાર 971 નકલી નોટો પકડાઈ હતી.

આ વર્ષે 500 રૂપિયા ઉપરાંત 20 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2022-23માં 20 રૂપિયાની નકલી નોટોમાં 8.4 ટકાનો વધારો થયો છે. 10 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં 11.6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે 100 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં 14.7 ટકાનો ઘટાડો થયો છે. નકલી નોટો ઉપરાંત આરબીઆઈએ તેના વાર્ષિક અહેવાલમાં નોટો પર છાપવામાં આવતી સંપૂર્ણ માહિતીની જાણકારી પણ આપી છે. આરબીઆઇએ 2022-23માં નોટ છાપવા માટે કુલ 4 હજાર 682.80 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 2021-22માં પ્રિન્ટિંગનો ખર્ચ 4 હજાર 984.80 કરોડ રૂપિયા હતો. જો સર્ક્યુલેશનની વાત કરીએ તો રૂ. 10 અને 500 રૂપિયાની નોટો સૌથી વધુ છે. 31 માર્ચ, 2023 સુધી વોલ્યુમની દૃષ્ટિએ દેશના કુલ સર્ક્યુલેશનમાં 37.9 ટકા હિસ્સો 500ની નોટ ધરાવે છે. ત્યારબાદ 10 રૂપિયાની નોટનો હિસ્સો 19.2 ટકા છે. આવી સ્થિતિમાં સિસ્ટમમાંથી 500 રૂપિયાની નકલી નોટોને સાફ કરવાની આરબીઆઇની મોટી જવાબદારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular