દારૂબંધી હોવા છતા રાજ્યમાં જાણે દારૂની રેલમછેલ જોવા મળે છે. નેશનલ ફેમિમલી હેલ્થ સર્વેના રિપોર્ટ મુજબ રાજ્યમાં દારૂ પીનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમાં પણ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે દારૂ પીનારી મહિલાઓની સંખ્યા ડબલ થઈ છે. રાજ્યમાં દારૂબંધી હોવાના દાવા તો મોટા મોટા કરવામાં આવે છે, પરંતુ દારૂ પીનારા લોકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર રાજ્યના શહેરોમાં 0.3 ટકા મહિલાઓ દારૂ પીએ છે. જ્યારે ગામડામાં દારૂની વ્યસની મહિલાઓનું પ્રમાણ 0.7 ટકા છે. રાજ્યમાં કુલ મળીને 0.6 ટકા મહિલાઓ દારૂ પીવે છે. વર્ષ 2019-20માં દારૂ પીનારી મહિલાઓની ટકાવારી 0.3 ટકા હતી. જો કે વધતા દારૂના દૂષણને કારણે આ ટકાવારી બમણી થઈ છે. રાજ્યમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ મહિલાઓ દારૂની વ્યસની છે.
ડાંગ જિલ્લામાં 4.6 ટકા મહિલાઓમાં દારૂનું વ્યસન છે.રાજ્યમાં 15 વર્ષથી વધુ ઉંમરના કુલ 5.8 ટકા પુરુષો દારૂનું સેવન કરી રહ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં દારૂના વ્યસની પુરુષોનું પ્રમાણ 4.5 ટકા છે. જ્યારે ગામડામાં 6.8 ટકા પુરુષો દારૂનું સેવન કરે છે.
દારૂ પીનારા કુલ પુરુષો પૈકી 35 ટકા પુરુષો સપ્તાહમાં એકવાર દારૂનું સેવન કરે છે. જ્યારે 31 ટકા પુરુષો રોજ દારૂ પીએ છે. ગત વર્ષની સરખામણીએ પણ દારૂ પીનારા પુરુષોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે રાજ્યમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી 3.6 ટકા હતી જેમા વધારો નોંધાયો છે.