જામનગર શહેરમાં વર્ષોથી રહેલી ટ્રાફિક સમસ્યામાં કોઇ પરિવર્તન આવ્યું નથી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ આ જટિલ સમસ્યાનું નિરાકરણ કરી શકી નથી. હાલમાં જ જામનગર ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 28 વાહનો ડીટેઈન કરવામાં આવ્યાં હતાં અને રોકડ દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં એરફોર્સના કર્મચારીઓ પણ બાકાત રહ્યા ન હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રાજમાર્ગો પર બેજવાબદાર લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતા હોય છે. ઉપરાંત શહેરના કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં પણ પાર્કિંગની સમસ્યાના કારણે મોટાભાગના વાહનો કોમ્પલેક્ષના બહાર જ ખડકાયેલા રહે છે. જેના કારણે શહેરની જટિલ એવી ટ્રાફિક સમસ્યામાં ઉત્તરોતર વધારો થતો જાય છે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ દ્વારા સમયાંતરે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને ટોઇંગ વાહન દ્વારા પોતાની મરજી પડે તેવા રોડ પરથી જ વાહનો ટોઇંગ કરી લઇ જતા હોય છે. જ્યારે અમુક માર્ગો પર તો કાયમી નો પાર્કિંગ ઝોનમાં ખડકાયેલા વાહનો ટોઇંગવાળાને દેખાતા જ નથી. દરમિયાન જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત દિગ્જામ સર્કલ અને મહાકાલી ચોક વિસ્તારમાં પીઆઈ અમિત ચૌધરી, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ કાર્યવાહી અંતર્ગત છેલ્લાં બે દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા 28 થી વધુ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતાં. અને પાર્કિંગનો ભંગ તથા ટ્રાફિક નિયમનો ભંગ કરનારા લોકો પાસેથી રૂા.27900 ના દંડની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં પીએસઆઈ મોઢવાડિયા સહિતના સ્ટાફે કરેલી સરાહનીય કામગીરીમાં એરફોર્સના છ કર્મચારીઓ પણ દંડાયા હતાં.