કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં મોબાઇલ તેમજ રેડીમેઈડ કપડાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ આ બન્ને દુકાનમાંથી 71 હજારનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં આવેલી સંજરી ટેલીકોમ નામની મોબાઈલની દુકાનમાં ગુરૂવારની મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને તિક્ષ્ણ હથિયારો વડે દુકાનનું સટર ઉંચકી લાદી ખોદીને દુકાનમાં પ્રવેશ કરી રૂા.19 હજારની કિંમતના રીયલ મી ના બે મોબાઇલ, 22 હજારના ટેકનો કંપનીના બે મોબાઇલ, 13800 ની કિંમતનો વીવો નો મોબાઇલ તેમજ ટેબલના ખાનામાંથી રૂા.8000 ની કિંમતના સેમસંગના બે જૂના મોબાઇલ અને 4000 ની કિંમતનો ટેકનોનો એક જૂનો મોબાઇલ તથા 1300 ની રોકડ રકમ અને બે વાયરલેસ હેડફોનની ચોરી કરી ગયા હતાં. તેમજ બાજુમાં આવેલી સંજરી રેડીમેઈડ નામની દુકાનમાંથી નાના બાળકોના બે સર્ટ, બે લેપટોપના થેલા મળી બન્ને દુકાનમાંથી કુલ રૂા.71,100 નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં.
ચોરીની જાણ થતા વેપારી સતારભાઈ પોપટપૌત્રાએ જાણ કરતા પીએસઆઈ એચ.વી. પટેલ અને સ્ટાફે સ્થળ પર જઈ તસ્કરોનું પગેરુ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.