ભારત દેશએ તહેવારોનો દેશ છે. જેમાં લોકો અનેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે. હાલમાં વર્ષાઋતુ વચ્ચે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ સાથે જ હિન્દુ ધર્મના અનેક તહેવારોનો પણ પ્રારંભ થઈ ચૂકયો છે. સ્વાતંત્ર્ય પર્વ, રક્ષાબંધન, ગણેશચતુર્થી, નવરાત્રિથી દશેરા, અને દિવાળી સુધી લોકોમાં ઉમંગ ઉત્સાહ છવાઈ જશે. આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. એક શબ્દનું નામ અને બે શબ્દનું અર્થ અને અગણિત લાગણીઓ એટલે રક્ષાબંધનનું પર્વ. આ દિવસે બ્રાહ્મણો જનોઇ પણ બદલે છે. તેમજ માછીમારો નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે તેથી તેની નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. સોનાથી બનેલી દ્વારકા પણ એક સુતરના દોરા સામે ઝાંખી પડે છે. જ્યારે બહેન લાવેલી રાખડી ભાઈના હાથનું આભૂષણ બને છે. રાખડી એ માત્ર સુતરનો તાતણો નથી પરંતુ, સ્નેહનું રક્ષણ કરતું ભાઈ-બહેનનું પવિત્ર બંધન છે. આજે રક્ષાબંધનના પર્વની ભાઈ-બહેન દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે બહેન દ્વારા ભાઈની આયુષ્ય અને અભિવૃધ્ધીના આશિર્વાદ સાથે રાખડી બાંધી વ્રત પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છેલ્લાં થોડા વર્ષોથી બહેન દ્વારા ભાઈની સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાની પરંપરા પણ શરૂ થઈ છે ત્યારે આજે બહેન દ્વારા તેના ભાઈ અને ભાભીને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. તેમજ રાખડી બાંધી ભાઈને મોં મીઠું કરાવી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લા જેલમાં પણ રહેલા કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સવારથી જ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો પહોંચી હતી. જે માટે જિલ્લા જેલ તંત્ર દ્વારા પણ કેદી ભાઈઓ સાથે બહેનો રક્ષાબંધન ઉજવી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.