કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના પ્રેમલગ્ન કરનાર યુવાનના બેન-બનેવી સહિતના પરિવારનું બોલેરો ગાડીમાં આવેલા ચાર શખ્સો દ્વારા અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતા દિનેશ નામના યુવાને જીગલીબેનને ભગાડી ગયો હતો. તે બાબતનો ખાર રાખી વિક્રમ સમસીંગ દેહીજા અને ગોટુ માવી તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સો રવિવારે વહેલસવારના 5 વાગ્યાના અરસામાં જીજે-10-ડીએન-0301 નંબરની બોલેરો ગાડીમાં ખેતરે ઘસી આવ્યા હતાં અને વિક્રમની બહેન જીગલીને ભગાડી ગયાનો ખાર રાખી દિનેશના બેન ઉષાબેન તથા બનેવી કૈલાશભાઈ તેમજ પુત્રી નિશાબેન સહિતના ત્રણેયનું બળજબરીપૂર્વક અપહરણ કરી ગયા હતાં અને કૈલાશભાઈના પુત્ર ઉમેશને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. ચાર શખ્સોએ પ્રેમલગ્ન કરનાર યુવાનના બેન-બનેવી અને પુત્રીનું અપહરણ કરી ગયાની જાણના આધારે કાલાવડ પોલીસે ગાડીના નંબરના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.