ખંભાળિયામાં આવેલી સુવિખ્યાત શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે રવિવાર તારીખ 17 થી તારીખ 23 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંના સર્વે વૈષ્ણવ પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં જાણીતા શાસ્ત્રી અમિત ક્રિષ્ના આચાર્ય(બડી બેઠકજી વાલે) ખાસ ઉપસ્થિત રહી, અને કથામૃતનું રસપાન કરાવશે.
આ માટે અહીંની સેવાકુંજ હવેલીના પૂજ્ય ગોસ્વામી માધવી વહુજી યશોદાનંદજી મહારાજના આશીર્વચન સાંપડ્યા છે. આ સપ્તાહમાં આવતીકાલે રવિવારે બપોરે ત્રણ વાગ્ય ગીરીરાજધરણ હવેલીથી પોથીયાત્રા શરૂ થશે.
આ પ્રસંગે સોમવાર તારીખ 18 મીના રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ, મંગળવારે બાળલીલા, ગુરુવારે ગીરીરાજજી પૂજન તેમજ આગામી શનિવારે પરીક્ષિત મોક્ષ બાદ કથાની પૂર્ણાહુતિ થશે. આ ધર્મમય આયોજનમાં દરરોજ બપોરે ત્રણ થી સાંજે સાત વાગ્યે સુધી કથા શ્રવણનો લાભ લેવા વ્યવસ્થા સમિતિના કિશોરભાઈ તન્ના, વિનુભાઈ બરછા (ઘી વાળા), મનસુખભાઈ ખાગ્રામ, પ્રતાપભાઈ સોની, રમેશભાઈ લાલ વિગેરે દ્વારા વૈષ્ણવ ભાઈઓ બહેનોને અપીલ કરવામાં આવી છે.