જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં આવેલી દુકાન તથા મહાલક્ષ્મી ચોકમાં આવેલી દુકાનમાં ત્રણ વેપારીઓ દ્વારા હિન્દુસ્તાન યુનિલીવર લિ.કંપનીનો ડુપ્લીકેટ માલ વેંચાણ કરાતો હોવાની કંપનીના મહિલા અધિકારીની ફરિયાદના આધારે પોલીસે રૂા.1.77 લાખનો ડુપ્લીકેટ માલ કબ્જે કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બર્ધન ચોક જુમ્મા મસ્જિદ સામે આવેલી કરીમજી ઈસ્માઇલજી અતરવાલા અને બર્ધનચોકમાં લીંડીબજાર સાથરીયા બજારમાં આવેલા એસ એ કોયચાની તથા મહાલક્ષ્મી ચોકમાં આવેલી પંચરત્ન બ્યુટી સીલેકશન નામની દુકાનના વેપારીઓ દ્વારા હિન્દુસ્તાન યુનિલીવર લિ.કંપનીની ડુપ્લીકેટસ પ્રોડકટસનું વેંચાણ કરાતું હોવાની બેંગ્લોરના નયન તારા ડેમી ડેવીડ પીકે ડેવીસ ડેમી નામના મહિલા અધિકારી દ્વારા આ ત્રણ દુકાનદારો વિરૂધ્ધ કોપીરાઈટ્સ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફ દ્વારા અસગર કુરબાન અતરવાલાની દુકાનમાંથી હિન્દુસ્તાન યુનિલીવર લિ.કંપનીની લેકમેની 15 આઈટમ કુલ રૂા.18,190 ના 56 ડુપ્લીકેટ નંગ તથા મુસ્તુફા સબીર કોયચાની દુકાનમાંથી રૂા.1,13,166 ની કિંમતની લેકમેની 11 આઇટમોના 622 નંગ તથા એલઈ – 18 ની 1 આઈટમના 39 નંગ તેમજ સચીન સુભાષ વૈયાટાની દુકાનમાંથી રૂા.45690 ની કિંમતની લેકમેની 13 આઈટમના 128 નંગ અને એલઈ-18 ની 1 આઈટમના 5 ડુપ્લીકેટ નંગ મળી આવ્યા હતાં.
જેના આધારે પોલીસે આ ત્રણેય દુકાનદારો વિરુધ્ધ કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધી હિન્દુસ્તાન યુનિલીવર લિ.કંપનીની ડુપ્લીકેટ પ્રોડકટોનો રૂા.1,77,046નો સામાન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.