દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે. દ્વારકા બાદ ખંભાળિયા તાલુકામાં પણ છેલ્લા ચાર દિવસમાં આશરે 25 ઈંચ જેટલો વરસાદ વરસી જતા અમુક સ્થળોએ ખાનાખરાબી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે રવિવારે પણ મેઘરાજાએ સવા ત્રણ ઈંચ સાથે કુલ સાડા બાવન ઈંચ વરસાદ વરસાવી દીધો છે.
ખંભાળિયા પંથકમાં શનિવારે બપોરે 12 વાગ્યાથી કુલ 89 મીલીમીટર તેમજ ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન વધુ 81 મીલીમીટર સાથે તાલુકામાં કુલ સાત ઈંચ 170 મીલીમીટર પાણી વરસી ગયું હતું. ગઈકાલે રવિવારે સવારના સમયે વરસેલા આ વરસાદથી લોકોએ નહાવાની મોજ માણી હતી. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા 52 ઈંચ (1311 મીલીમીટર) નોંધાયો છે. ગઈકાલે સાંજથી ખંભાળિયા પંથકમાં મેઘવીરામ રહ્યો હતો. જે વચ્ચે આજે સવારથી વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.
આ સાથે કલ્યાણપુર તાલુકામાં શનિવારે 13 મીલીમીટર તેમજ ગઈકાલે રવિવારે ત્રણ ઈંચ (74 મીલીમીટર) સાથે બે દિવસ દરમિયાન કુલ સાડા ત્રણ ઈંચ (87 મીલીમીટર) વરસાદ નોંધાયો છે. જ્યારે ભાણવડ તાલુકામાં શનિવારે બપોર બાદ બે ઈંચથી વધુ (55 મીલીમીટર) અને ગઈકાલે રવિવારે એક ઈંચ (26 મીલીમીટર) સાથે બે દિવસમાં કુલ સવા ત્રણ ઈંચ (81 મીલીમીટર) પાણી પડી ગયું હતું. દ્વારકા પંથકમાં રવિવારે 17 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આમ આજે સવાર સુધીમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં સાડા 52 ઈંચ (1311 મીલીમીટર), દ્વારકામાં સાવ 28 ઈંચ (732 મીલીમીટર), કલ્યાણપુરમાં 26 ઈંચ (651 મીલીમીટર) અને ભાણવડમાં 20 ઈંચ (503 મીલીમીટર) સાથે જિલ્લામાં કુલ 28 ઈંચ (799 મીલીમીટર) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
જિલ્લામાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 157 ટકા, દ્વારકા તાલુકામાં 135 ટકા, કલ્યાણપુર તાલુકામાં 75 ટકા અને ભાણવડ તાલુકામાં 69 ટકા સાથે જિલ્લામાં કુલ સરેરાશ 107 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તેમજ શનિવારે બપોરે 12 વાગ્યેથી વરસેલા આ સાર્વત્રિક વરસાદથી બે દિવસમાં વધુ ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં ખંભાળિયાનો ઘી ડેમ અને મહાદેવિયા ડેમ સામેલ છે. હાલ જિલ્લામાં 15 પૈકી 11 ડેમ ઓવરફ્લો છે.