જામનગર શહેરનાં કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાને લઈ શહેરની મુખ્ય જી.જી.હોસ્પીટલમાં કોરોનાના જે દર્દીઓ દાખલ થાય છે તેમની સાથે બહારગામથી આવતા સગા-સબંધીઓ શહેરમાં યોગ્ય સગવડ સાથે રહી શકે તથા કોરોનાં સંકમણ ન થાય તે હેતુથી શહેરમાં જુદા-જુદા સમાજની વાડીઓ તથા છાત્રાલય કે જેમાં રહેવા-જમવાની વ્યવસ્થા થઈ શકે તેનાં પ્રતિનિધિઓની મીટીંગ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં તા.13ના રોજ કમિશ્નરનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ મીટીંગમાં શહેરના જુદા-જુદા 30 જેટલા સમાજને જાણ કરવામાં આવેલ તે પૈકી 17 સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ચેરમેન સ્ટે.કમિટી, નાયબ કમિશ્નર, આસી. કમિશ્નર પણ ઉપસ્થિત રહ્યા હતા.
મીટીંગની શરૂઆતમાં ઉપસ્થિત પ્રતિનિધિઓનું સ્વાગત કરી કમિશ્નર દ્વારા શહેરની કોરોનાં સંદર્ભમાં અધતન માહિતી, તંત્રના પ્રયાસો, ઉપલબ્ધ સુવિધાઓ બાબતે વાકેફ કરવામાં આવેલ હતાં તથા કોરોનાની પરિસ્થિતિમાં તમામ સમાજના સક્રિય સહયોગની આવશ્યકતા જણાવેલ હતી. ત્યારબાદ ચેરમેનએ પોતાના વક્તવ્યમાં માં જણાવેલું કે, જો સમાજ દ્વારા જ પોતાની વાડીમાં જ દર્દીઓના પરીવાર માટે રહેવાની અથવા તો સારવારની પણ જો વ્યવસ્થા કરવામાં આવે તો પોતાના જ સમાજનું કેમ્પસ હોય, માનસિક રીતે પણ તેઓને સધીયારો રહે તેમ જણાવ્યું હતું. આ મીટીંગમાં ઉપસ્થિત જુદા – જુદા સમાજો જેવા કે, લોહાણા સમાજ, પટેલ સમાજ, આહિર સમાજ, રાજપૂત સમાજ, ઓશવાળ સમાજ, સતવારા સમાજ, બ્રહમ સમાજ, ભાનુશાળી સમાજ, જેન સમાજ, મારૂ કંસારા સમાજની વાડીઓનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેઓ દ્વારા કોવિડ દર્દીઓનાં સગા-સબંધીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરવાની હેૈયાધારણાં આપેલ હતી.