લાલપુર તાલુકાના નાંદુરી ગામના વાડી વિસ્તારમાં રહેતાં આધેડ ઉપર રસ્તો બનાવવાના વિવાદમાં અદાલતમાં કેસ ચાલતો હોય તેમ છતાં રસ્તો બનાવવા માટે સાત શખ્સોએ પ્રૌઢ ઉપર હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના નાંદુરી ગામના વાડી વિસ્તારમાં રહેતાં મેરગભાઈ હેમાભાઈ કરંગીયા નામના પ્રૌઢને તેના ખેતર વચ્ચે રસ્તો બનાવવાનું ભીખા જેતા વરુ સાથે વિવાદ ચાલતો હતો અને આ વિવાદમાં અદાલતમાં કેસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં બંને પક્ષોએ કોર્ટનો ચૂકાદો આવ્યે રસ્તો બનાવશું તેવું નકકી થયા બાદ રવિવારે ભીખા જેતા વરુ, ભરત જેતા વરુ, સતિબેન દેશુર વરુ, દુધીબેન કારા વરુ, કુલદીપ લખુ વરુ, મયુર કારા વરુ નામના સાત શખ્સોએ એકસંપ કરીને પ્રૌઢ ઉપર પાઈપ અને પથ્થરમારો કરી ઈજા પહોંચાડી હતી તેમજ પથ્થરોના ઘા મારી અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. સાત શખસો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણના આધારે હેક એમ. ટી. વસરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ પ્રૌઢના નિવેદનના આધારે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.