વેકિસનના અભાવે જામનગર શહેરમાં આજે એટલે કે તા.29 જૂનના રોજ શહેરમાં વેક્સિનેશન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો પરંતુ રાત્રે છેલ્લી ઘડીએ વેકિસનનો જથ્થો આવી પહોંચતા તંત્ર દ્વારા કુલ 10 સ્થળોએ વેક્સિનની સેશન સાઈટ મોડી રાત્રે જાહેર કરવામાં આવી હતી. આ 10 સાઈટ પર આજે 2000 લોકોને વેક્સિન આપી શકાશે.
એક તરફ રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વેક્સિનની અછતને કારણે જામનગર સહિત અનેક સ્થળોએ વેકિસનેશન સેન્ટર બંધ રાખવાની ફરજ પડી છે. જામનગર શહેરમાં પણ ગઈકાલે મોડીસાંજ સુધી વેકિસનનો જથ્થો નહીં આવતા જામ્યુકોના આરોગ્ય તંત્ર દ્વારા આજની એટલે કે તા.29 જૂનની સેશન સાઈટ બંધ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોડીરાત્રે વેક્સિનનો જથ્થો આવી પહોંચતા તંત્ર દ્વારા તાબડતોબ સેશન સાઈટ નકકી કરી આજનો વેક્સિનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અનુસાર શહેરમાં કુલ 10 સ્થળોએ વેક્સિન સેન્ટર ચાલુ રાખવામાં આવ્યા છે. જામનગર શહેરમાં ગઈકાલ સુધી 44 થી વધુ વયના 1,21,844 નાગરિકો તેમજ 18 થી 44 સુધીના 1,38,991 લોકોને વેકિસનનો પ્રથમ ડોઝ લગાડવામાં આવી ચૂકયો છે. જ્યારે 44 વર્ષથી ઉપરના કુલ 51,021 નાગરિકોને બન્ને ડોઝ લાગી ચૂકયા છે. જ્યારે 18 થી 44 સુધીના 9159 યુવાઓને પણ વેકિસનના બન્ને ડોઝ લાગી ચૂકયા છે.