રાજયના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ ઝડપથી આવે તે માટે જામજોધપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.2/8/2021 સોમવારના રોજ સંવેદના દિનની ઉજવણી અંતર્ગત જામજોધપુર તાલુકાના સીદસર ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જામજોધપુર ગામના આજુબાજુના ગામો જેવા કે, સીદસર, ગીંગણી, વાલાસણ તથા માલવડા આમ કુલ ચાર ગામના લોકોના વ્યકિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર સવારના 9 થી 11 કલાક દરમિયાન અરજદારની રજુઆત અને તેના પુરાવાઓ મેળવવામા આવશે.
11 થી 2 કલાક દરમ્યાન સ્થળ તપાસ તેમજ 3 થી 5 કલાક દરમ્યાન અરજદારે કરેલ રજુઆતનો નિકાલની જાણ કરવામા આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રિમિલીયર, પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા નવા વિજળી જોડાણ માટેની અરજીઓ અને માં અન્નપૂર્ણા યોજના, માઁ અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગ પ્રમાણપત્ર, જન્મની નોંધણી ન થયેલ હોય તેવા વરિષ્ઠ નાગરિકોને ઉંમરના પ્રમાણપત્રો આપવાની કામગીરી કરવામાં આવશે. ઉપરોકત ગામોના લોકોને આ સેવા સેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામા લાભ લેવા જામજોધપુર મામલતદાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
સોમવારે જામજોધપુર તાલુકાના સિદસર ગામે સેવા સેતુ કાર્યક્રમ
સીદસર, ગીંગણી, વાલાસણ તથા માલવડા ગામના લોકોને અનેક યોજનાઓનો લાભ ઘર આંગણે જ ઉપલબ્ધ થશે