ખંભાળિયામાં રિટેઈલ ગ્રેઈન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશનની સામાન્ય સભા ગઈકાલે રવિવારે સાંજે અત્રે જલારામ ચોક ખાતે આવેલી મહાજન વાડી ખાતે યોજવામાં આવી હતી. આ મિટિંગમાં આગામી વર્ષ માટે એસોસિએશનના નવા હોદેદારોને બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ખંભાળિયામાં આશરે બસ્સો જેટલા રિટેઈલ વેપારીઓ સાથેની મહત્ત્વની સંસ્થા એવી રિટેઈલ ગ્રેઈન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશનની રવિવારે યોજાઇ ગયેલી ખાસ બેઠકમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે જગુભાઈ રાયચુરા, ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ જીંદાણી, સેક્રેટરી રવિભાઈ ગઠીયાણી, જોઈન્ટ સેક્રેટરી જેન્તીભાઈ પરમાર, ખજાનચી હિરેનભાઈ નકુમ તથા સહ ખજાનચી હિતેનભાઈ વિઠ્ઠલાણીની બિનહરીફ અને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, પૂર્વ જિલ્લા મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય, ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી રાકેશભાઈ પંચમતિયા, હોલસેલ ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી, વિગેરેની ખાસ હાજરીમાં નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના વિદાય લઈ રહેલા તત્કાલીન પ્રમુખ ભાવેશભાઈ વિઠલાણી તથા ટીમે નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રિટેઈલ ગ્રેઈન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશનની નવી ટીમને ઉપસ્થિત સૌએ આવકારી, ફુલહાર તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના કટલેરી હોઝિયરી એસોસિએશન, ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન, એફ.એમ.સી.જી. એસોસિયેશન, મીઠાઈ ફરસાણ અને હોલસેલ ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના હોદેદારો- કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ જગુભાઈ રાયચુરા કે જેઓ હાલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે, તેમની સાથે સંસ્થાના અન્ય હોદ્દેદારોએ આગામી સમયમાં વેપારીલક્ષી પ્રશ્ર્નોના નિરાકરણ તથા વેપારીઓમાં એકતા અને સંગઠન વધે તે માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન જગદાનભાઈ બારોટએ કર્યું હતું. આમ, શહેરના વેપારીઓનું સૌથી મોટું એવું આ એસોસિએશન તથા તેઓની પ્રવૃત્તિ પ્રેરણારૂપ બની છે.