જામનગરની કોવિડ હોસ્પિટલમાં જામનગર ઉપરાંત બહારગામથી આવતા દર્દીઓની સંખ્યા વધી છે. તેની સાથે દર્દીના પરિવારજનો પણ આવતાં હોય જેને ધ્યાને લઇ તંત્ર દ્વારા દર્દીના સગાઓ તેમજ બહારગામથી આવેલ ગાડીના પાર્કીગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોના દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી, જુનાગઢ, દ્વારકા સહિતના જિલ્લાઓમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં કોરોનાની સારવાર માટે આવી રહ્યા છે. કોવિડ હોસ્પિટલમાં બહારથી આવતાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. આ સાથે દર્દીઓના પરિવારજનો પણ તેમની સાથે આવતાં હોય છે. ત્યારે કોવિડ હોસ્પિટલમાં આવતાં દર્દીના સગામાટે તંત્ર દ્વારા જી.જી.હોસ્પિટલની કેન્ટીંન પાસે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત બહારગામથી આવતાં દર્દીઓ અને તેના પરિવારજનોના વાહનો પાર્કિંગ માટે ધન્વંતરી ગ્રાઉન્ડમાં તંત્રએ વ્યવસ્થા કરી છે. બહારગામથી આવતાં કોરોના દર્દીઓના પરિવારજનોને કોઇ મુશ્કેલી ન પડે અને કોવિડ હોસ્પિટલ નજીક પણ ભીડ ન થાય કે, અવ્યવસ્થા ન થાય તે માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.