અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની સી-પ્લેન સેવા ફરીથી ખોરવાઈ છે. યાંત્રિક ખામીને દુર કરવા માટે સી-પ્લેનની સેવા અવારનવાર સ્થગિત કરી દેવા આવે છે. ત્યારે આજે ફરી સી પ્લેનની સેવા બંધ કરવામાં આવી છે. ફરીથી સર્વિસ ક્યારે શરુ થશે તે અંગે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.
અમદાવાદમાં સી-પ્લેનના મેઇન્ટેનન્સ માટેની વ્યવસ્થા ન હોવાથી આ અગાઉ પણ ત્રણ મહિનામાં બે વખત સી-પ્લેનને માલદિવ્સ મોકલવામાં આવ્યું હતું. નવેમ્બરમાં સી પ્લેન માલદીવ્સ ખાતે મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યુ હતુ આમ મહિના સુધી ઉડાન બંધ રહ્યા બાદ ડિસેમ્બરના અંતમાં પણ સી પ્લેન પરત આવી ન શકતા પહેલી જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં નવા શેડયુલ મુજબ સવારે-બપોરે એમ બે વખત સવસ શરૃ કરવામાં આવી હતી. દરમિયાન 14-15 જાન્યુ ઉત્તરાયણના તહેવારમાં બે દિવસ સી પ્લેન સેવા બંધ રહી હતી.ત્યારે મહિના બાદ ફરી મેઈન્ટેનન્સ માટે સી પ્લેનને માલદીવ્સ મોકલવામાં આવ્યું છે. અને ફરી પાછી આ સર્વિસ ક્યારે શરુ થશે તે અંગે જાણકારી આપવામાં આવી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રની ઉડાન યોજના હેઠળ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન ગત વર્ષે 31 ઓક્ટોબરના સરદાર પટેલ જ્યંતિ નિમિત્તે કરવામાં આવ્યુ હતુ. સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા સ્પાઇસ શટલ સી પ્લેન ટ્વીન ઓટ્ટર 300 સિરિઝનું 19 સીટર બીચ એરક્રાફ્ટ જે માલદિવિયન કંપનીના નામથી રજિસ્ટર્ડ છે. 50 વર્ષ જૂના એરક્રાફ્ટને કેન્દ્ર સરકારે લીઝ કોન્ટ્રાક્ટ પર લીધેલુ છે.