જામનગરના વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી પુરોહિત સાયન્સ સ્કૂલમાં તા. 13 અને 14 ફેબ્રુઆરીએ યોજાયેલા દ્વિદિવસીય સાયન્સ ફેરને ભવ્યપ્રતિસાદ મળ્યો હતો. શાળાના પ્રાંગણમાં વિજ્ઞાનપ્રેમી વાતાવરણ વચ્ચે 493 જેટલા વિદ્યાર્થીઓએ 177થી વધુ સર્જનાત્મક અને વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ધોરણ 5 થી 9 સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સાયન્સ ફેર દરમિયાન વાલીઓ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ્સને નિહાળવા માટે સતત ભીડ જોવા મળી હતી. દરેક સ્ટોલ પર વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક પોતાના મોડલનું પ્રદર્શન કરતા અને તેની પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત સરળ ભાષામાં સમજાવતા નજરે પડ્યા હતા. વાલીઓએ બાળકોના આત્મવિશ્વાસ, પ્રેઝન્ટેશન સ્કિલ્સ અને વૈજ્ઞાનિક સમજણને વખાણી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
મુલાકાતીઓએ ખાસ કરીને એ.આઈ. આધારિત સ્માર્ટ રોબોટ, મેગ્નેટિક લેવીટેશન ટ્રેન, ટેસ્લા કોઇલ, ફાયર ડિટેક્શન સ્માર્ટ એલાર્મ, એન્ટી-ગ્રેવિટી બોક્સ તેમજ વેસ્ટ મટિરિયલ મેનેજમેન્ટ જેવા પ્રોજેક્ટ્સ પ્રત્યે વિશેષ રસ દર્શાવ્યો હતો. અનેક વાલીઓએ જણાવ્યું હતું કે આજના યુગમાં બાળકોને માત્ર પાઠ્યપુસ્તક પૂરતા જ મર્યાદિત રાખવાને બદલે પ્રાયોગિક જ્ઞાન આપવું જરૂરી છે અને શાળાએ આ દિશામાં ઉત્તમ પ્રયાસ કર્યો છે.
શિક્ષકોના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસથી કરવામાં આવેલી મહેનત આ પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ આવી હતી. બાળકોની આંખોમાં ચમક અને પોતાના પ્રોજેક્ટ અંગે ગર્વનો અહેસાસ જોવા મળ્યો હતો. વાલીઓએ શાળાના આ પ્રયાસને બિરદાવતાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે છે, સાથે સાથે તેમની અંદર છુપાયેલી સર્જનાત્મકતા અને નવીનતા બહાર લાવે છે.


