ગોવામાં યોજાઇ રહેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વિદેશ મંત્રીઓની બેઠકમાં અધ્યક્ષ અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોને દૂરથી જ પ્રણામ કરીને ભારતના મિજાજનો પરિચય આપ્યો હતો.
આતંકવાદને પોષતાં પાકિસ્તાન સામે ભારતનું આક્રમક વલણ વિદેશમંત્રી એસ. જયશંકરના હાવભાવ પરથી સ્પષ્ટ થતું હતું. અન્ય વિદેશમંત્રીઓ સાથે ઉષ્માપૂર્ણ રીતે હસ્તધૂનન કરનાર જયશંકરે બિલાવલ ભુટ્ટોને કોઇ ભાવ આપ્યો ન હતો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં બિલાવલ ભુટ્ટો સાથે મુલાકાત કર્યાના 10 મિનિટ બાદ જ વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદ વિશ્ર્વ સમક્ષ મોટું જોખમ છે. તેને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી.
જયશંકરે એમ પણ કહ્યું કે આતંકવાદ સામે દરેક પ્રકારે લડવું પડશે અને તેને કોઈપણ કિંમતે અટકાવવો પડશે. સરહદ પારના આતંકવાદને પણ રોકવો જરૂરી છે. આતંકવાદ સામે લડવું એ એસસીઓના વાસ્તવિક લક્ષ્યોમાંનું એક છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ના વિદેશ મંત્રીઓની બેઠક મળી છે. આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના વિદેશ મંત્રીને મળ્યા હતા. આ દરમિયાન એસ જયશંકરે નમસ્તે કર્યુ અને બિલાવલે પણ હાથ જોડી પ્રણામ કર્યા હતા. પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા સહિત તમામ આ બેઠકમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લીધો છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન, ચીન, રશિયા સહિત તમામ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ગુરુવારે ભારત પહોંચ્યા હતા. આ પછી વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. જ્યારે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો અને જયશંકર વચ્ચેની મુલાકાતને લઈને હજુ પણ સસ્પેન્સ છે.


