જામનગરના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને શારીરિક અસ્વસ્થ મહિલા જામનગરના સેનાનગર વિસ્તારમાંથી મળી આવ્યા અંગેની જાણ કરી હતી. જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે એ મહિલાને લઇ આવ્યા હતાં.
સેન્ટરના કર્મચારીઓ દ્વારા માનસિક અને શારીરિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ હોઈ યોગ્ય પ્રતિસાદ આપી શકતા નથી. જેથી કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાને માનસિક સાંત્વના આપતા વૃદ્ધ મહિલાએ પોતા વિશેની જાણકારી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના પતિ વર્ષ 2000માં મૃત્યુ પામ્યા છે. તેમજ તેઓ નિ:સંતાન છે જેથી સેન્ટર દ્વારા મહિલાના પિયર અને સાસરી પક્ષના સભ્યો વિશે જાણવા પ્રયાસ કરેલ ત્યારે બહેને તેમના સગા વહાલાના નામ જણાવ્યું હતું.
બહેન લોહાણા સમાજના હોય કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયાએ લોહાણા સમાજના અગ્રણી જીતુલાલ અને તેમના પી.એ.નો સંપર્ક કર્યો અને બહેનનો ફોટો તથા પરિવારના સભ્યો અંગેની માહિતી મોકલાવી. લોહાણા સમાજના અગ્રણી દ્વારા બહેનની માહિતી તેઓના સામાજીક ગૃપમાં મોકલવામાં આવતા આ માહિતી મહિલાના ભાઈ રમણીકભાઈ ગણાત્રા સુધી પહોંચતા તેઓએ રાત્રીના સમયે તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક સાધી પરિવારજનો સાથે મહિલાને લેવા સેન્ટર પર આવ્યા હતાં. આમ, જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયાસોથી ગણતરીની કલાકોમાં મહિલાનું તેના પરિવાર સાથે પુન:મિલન થતા મહિલાના પરિવારજનોએ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તેમજ તમામ કર્મચારીઓનો આભાર વ્યકત કર્યો હતો.