સામાન્ય શિક્ષકમાંથી અ-સાધારણ કેળવણીકાર બનેલા અને હાસ્ય કલાકારમાંથી જીવન દર્શન લોકો સમક્ષ પેશ કરતાં ફીલોસોફર તરીકે જાણીતા થયેલાં સાંઇરામ દવેએ જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજના આંગણે યોજાયેલા લોકડાયરાના ભવ્ય કાર્યક્રમમાં સરદાર પટેલ વિશે અદ્દભૂત અને મનનીય વાતો કહી વિશાળ પટેલ સમાજનું દિલ જીતી લીધું હતું, આ ઉપરાંત તેઓએ દિકરી અને બાપ વચ્ચેના સંબંધ અને દિકરીની ભવ્યતા અંગે પણ જીવન ઉપયોગી વાતો હાસ્યરસની સાથે સાથે રજૂ કરી હતી, ભવ્ય લોકડાયરાની આ રાત જામનગર માટે યાદગાર બની ગઇ હતી, સમગ્ર રાજ્યમાં તથા દેશ-વિદેશમાં સાંઇરામ દવેના કાર્યક્રમમાં જે રીતે હાસ્યનું હુલ્લડ અને તાલીઓનો ગડગડાટ જોવા મળે છે તેમજ ચલણી નોટોનો વરસાદ થતો હોય છે એ રીતે જામનગરમાં પણ લેઉવા પટેલ સમાજના આંગણે સાંઇરામ દવેના આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોના મોટા સમુહે મોડી રાત્રિ સુધી આ હાસ્ય દરબાર માણ્યો હતો અને ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો, જામનગરના ભાણેજ સાંઇરામ દવે મોસાળ જામનગરમાં, લેઉવા પટેલ સમાજના લોકડાયરાના ભવ્ય કાર્યક્રમમાં સોળે કળાએ ખીલેલા ચંદ્રની માફક ખીલ્યા હતા અને મોડી રાત્રિ સુધી લેઉવા પટેલ સમાજના હજારો જ્ઞાતિજનોને પોતાના કાર્યક્રમમાં જકડી રાખ્યા હતા, સાંઇરામ દવેએ પોતાની સ્ટાઇલ મુજબ હાસ્યની સાથે સાથે ઘણીયે ગંભીર વાતો લોકડાયરાના આ કાર્યક્રમમાં સૌ સમક્ષ રજૂ કરી હતી.
સાંઇરામ દવેએ લોકડાયરાના આ કાર્યક્રમમાં પટેલ સમાજની વિશાળ હાજરી વચ્ચે સરદાર વલ્લભભાઇ પટેલની મહાનતા, ભવ્યતા, દ્રઢનિશ્ર્ચયપણું અને સેન્સ ઓફ હ્યુમર સહિતના ગુણોની અદ્દભૂત શબ્દોમાં પ્રસંશા કરી હતી, શરુઆતમાં હાસ્ય નિપજાવવા માટે તેઓએ સરદાર પટેલની વાત કરતી વખતે એક-બે ઉદાહરણો કહ્યા હતા.
સાંઇરામ દવેએ ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, એક વખત મહાત્મા ગાંધી અને સરદાર બેઠાં હતા ત્યારે એક યુવક તેની પાસે આવ્યો હતો અને યુવકે બાપુની સામે જોઇને કહ્યું હતું કે, મને મારી પત્ની ગમતી નથી, શું કરવું…? આ પ્રશ્ર્ન સાંભળીને બાપુએ સરદારની સામે જોયું હતું અને સરદારે પોતાની હાજરજવાબીપણાની ખાસીયતનો પરિચય આપતાં યુવકને કહ્યું હતું કે, તારી આંખો ફોડી નાંખ… આ પ્રકારનું બીજું ઉદાહરણ આપતાં સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, આવી જ રીતે એક વખત બાપુ અને સરદાર બેઠાં હતાં ત્યારે એક યુવકે આવીને પુછ્યું હતું કે, હું જમીન પર ચાલુ અને કીડીઓ મરી જાય તો મને પાપ લાગે કે નહીં…? અને કીડીઓને બચાવવા મારે શું કરવું જોઇએ…? આ કિસ્સામાં પણ બાપુએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને સરદાર સામે જોતાં, સરદારે પેલા યુવકને કહ્યું હતું કે, તારા પગ ખભ્ભે નાંખીને ચાલ… આ બંને ઉદાહરણોમાં સરદાર પટેલનીહારેયની સેન્શ અને હાજરજવાબીપણું નજરે તરી આવે છે એમ સાંઇરામ દવેએ જણાવ્યું હતું.
આ ઉપરાંત સાંઇરામ દવેએ લોકડાયરામાં કહ્યું હતું કે, આપણો દેશ આઝાદ થયો ત્યારે દિવ-દમણ અને ગોવા પોર્ટુગીઝોના શાસનમાં હતું, એ સમયે ભારત સરકાર ગોવા પર કબ્જો લેવા ઇચ્છતી હતી અને તેની મહત્ત્વની ચર્ચા ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાને ચાલી રહી હતી ત્યારે સરદાર પટેલ આ ચર્ચા દરમ્યાન ઘસઘસાટ ઉંઘી ગયા હતા, બાદમાં નહેરુના કહેવાથી કોઇએ સરદારને ઉઠાડ્યા અને ગોવાની ચર્ચા વિશે જણાવતાં કહ્યું કે, આપણે ગોવા પર કબ્જો લેવા માટેની મહત્ત્વની ચર્ચા કરી રહ્યા છીએ, આ સમયે સરદારે નહેરુની હાજરીમાં એવો જવાબ વાળ્યો હતો કે, તમારે ચર્ચા કરવી હોય તો મારે ચર્ચા સાંભળવી નથી, તેના કરતાં હું સુઇ જવાનું પસંદ કરીશ, અને વાત જો ગોવા પર કબ્જો કરવાની હોય તો, એ કામ માત્ર બે કલાકનું છે, અને ઇતિહાસ સાક્ષી છે કે, સરદારનો આ જવાબ આજની તારીખે ઇતિહાસમાં નોંધાયેલો છે, સરદારના નાયબ વડાપ્રધાન પદે ભારત સરકારે ગોવા પર માત્ર સવા બે કલાકમાં કબ્જો લઇને પોર્ટુગીઝોને ત્યાંથી હાંકી કાઢ્યા હતા.
લોકડાયરાના આ ભવ્ય કાર્યક્રમમાં સાંઇરામ દવેએ સરદારની મહાનતાની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, સરદારે સૌને ભેગાં કર્યા હતા, અઢારે વર્ણને સાથે રાખ્યા હતા, મારા મતે સરદાર પટેલની જન્મ જયંતિ 30મી ઓક્ટોબર ન હોવી જોઇએ, પટેલનો દિકરો જ્યારે કોઇપણ બે લડતાં વ્યક્તિને એક કરે, બે ઝઘડી રહેલા સરપંચને એક કરે અથવા બે સમાજો વચ્ચેની તકરારને નિપટાવે ત્યારે એ સરદારની જન્મ જયંતિ છે, સરદાર એટલા માટે મહાન હતા કે, તેઓ આ રીતે સમગ્ર સમાજને ભેગું કરવામાં માનતા હતા.
આ ઉપરાંત સાંઇરામ દવેએ દાયકાઓથી સળગી રહેલી કાશ્મીર સમસ્યા અંગે સરદારની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે, કાશ્મીરનો પ્રશ્ર્ન સરદાર પટેલને સોંપવામાં આવ્યો હોત તો આજે કાશ્મીરમાં સમશ્યા ન હોત, તેના બદલે જે-તે સમયની ભારત સરકાર કાશ્મીરના મામલાને યુનોમાં લઇ ગઇ હતી, પરિણામે આજે પણ કાશ્મીર મુદ્દો સળગતી સમશ્યા છે.
એક વખત કોઇએ સરદારને પુછયું હતું કે, બાપુ એટલે કોણ…? અને સરદાર એટલે કોણ…? એટલે કે, બાપુ અને સરદારમાં શું તફાવત…? ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે હસતાં-હસતાં પ્રશ્ર્ન પુછનારને જવાબ આપ્યો હતો કે, બાપુ એ મહાન વ્યક્તિ છે કે, તેઓ દુશ્મનના ખોળે પણ માથું રાખીને ઉંઘી શકે અને સરદાર એ વ્યક્તિ છે કે, જ્યાં સુધી દુશ્મન જીવતો હોય ત્યાં સુધી સરદારને ઉંઘ ન આવે, સરદાર ઉંઘી ન શકે… આ મુદ્દો પણ સાંઇરામ દવેએ લોકડાયરાના આ કાર્યક્રમમાં પ્રસ્તુત કર્યો હતો.
જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજના આંગણે, મોસાળના શહેરમાં ખીલેલા સાંઇરામ દવેએ સરદાર પટેલની પ્રસંશા કરતાં વધુ એક ઉદાહરણ આપ્યું હતું કે, આઝાદી મળી તે સમયમાં ઉત્તર ગુજરાતમાં આવેલા અને પાકિસ્તાનની સરહદથી એકદમ નજીક રહેલાં બનાસકાંઠા પંથકના ખેડૂતો સહિતના સૌ ગ્રામજનોએ સામુહિક રીતે એવું નક્કી કર્યું હતું કે, તેઓને ભારત સાથે જોડાવું ન હતું, પરંતુ પાકિસ્તાનમાં જવું હતું, આ માટે સૌ ખેડૂતો અને ગ્રામજનોએ એ જમાનામાં ભારત સરકારને
પત્રો લખ્યા હતા અને સોગંદનામા રજુ કર્યા હતા, તે સમયના બનાસકાંઠાના પોસ્ટ માસ્તર આ તમામ પત્રો લઇને સરદાર મળવા દિલ્હી ગયા હતા, ત્યારે સરદાર નાયબ વડાપ્રધાન હતા, સરદારે પોતાની પ્રખ્યાત કુનેહની મદદથી બનાસકાંઠાના ખેડૂતો સહિતના આ સૌ ગ્રામજનોને સમજાવી ફોસલાવીને ભારતમાં જોડાવા માટે રાજી કરી દીધા હતા, સરદારની આ ખૂબી હતી, એમ જણાવતાં સાંઇરામ દવેએ કહ્યું હતું કે, સરદાર ન હોત તો આજે ગુજરાતમાં પણ કાશ્મીર’ હોત…!!
લોકડાયરાના કાર્યક્રમમાં સાંઇરામ દવેએ પોતાના શિક્ષક સ્વભાવ મુજબ શિક્ષણના મુદ્દા પર સારું એવું વજન મુક્યું હતું અને ખાસ કરીને ક્ધયા શિક્ષણને ઉત્તેજન આપવા માટે ઉપસ્થિત સૌ બહેનો- દિકરીઓને ખાસ વિનંતી કરી હતી, અત્રે નોંધનીય છે કે, પટેલ સમાજની ગર્લ્સ હાઇસ્કૂલની અંદાજે 200 જેટલી છાત્રાઓ તથા સમગ્ર સમાજની છાત્રાઓ અત્રે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતી અને સૌની સમક્ષ સાંઇરામ દવેએ ક્ધયા શિક્ષણ તેમજ વાલીઓ દ્વારા ક્ધયાઓના શિક્ષણ પાછળ આપવામાં આવતાં ભોગ અને ખર્ચ વગેરેની પણ પ્રસંશા કરી હતી.