બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર એન.ઓ.સી.ના ધરાવતા બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્વારા આપવામાં આદેશ અપાયો હતો. ઉપરાંત આવા બિલ્ડીંગો માટે ચોકકસ નિતી અમલમાં મુકવા કહેવાયુ હતું. દરમિયાન રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી કોવિડ-19ની હાલમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત એપેડેમિક ડીસીસ, કોવિડ-19 રેગ્યુલેશન્સ-2020ની જોગવાઇ અંતર્ગત બી.યુ.પરમીશન કે ફાયર એન.ઓ.સી. ના ધરાવતા રાજયના તમામ બિલ્ડીંગોને કોવિડથી પરિસ્થિતિ રહેત્યાં સુધી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય પરિસ્થિતિ ન બને ત્યાં સુધી કોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે. આઠ મહાનગરપાલિકા ઉપરાંત તમામ નગરપાલિકા સહીતના વિસ્તારોમાં આ રાહત અપાશે. જો કે, લોકોની સલામતીના મુદ્દે સરકાર ફાયર સેફટી મામલે કોઇ બાંધછોડ કરવા માંગતી ના હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ, હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હીતની અરજી બાદ રાજયમાં અમદાવાદ સહીત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારોમાં બી.યુ.ના ધરાવતા બિલ્ડીંગો સીલ કરવામાં આવ્યા છે. બિલ્ડીંગો સીલ કરવામાં આવ્યા બાદ બે મહિના જેટલા સમયથી અનેક લોકો ધંધા-રોજગાર વગરના થઇ ગયા છે. દરમિયાન રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા આઠ જુલાઇના રોજ એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં રાજયમાં કોરોના મહામારીના સમયમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇનસ્ટીટયુશનલ અને ઇન્ડસ્ટ્રીઅલ પ્રોજેકટો ઉપર પણ અસર પડી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દરમિયાન રાજયમાં હાલ જયારે કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગેની તૈયારીઓ ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં જે બિલ્ડીંગોલ પાસે બિલ્ડીંગ યુઝ પરમીશન નથી અથવા માર્જીનમાં બાંધકામ કરેલું હોય કે પ્લાન મુજબનું બાંધકામ ન કરેલુ હોય આ પ્રકારના અન્ય કીસ્સાઓમાં કાર્યવાહી કરવાથી જનજીવન ઉપર તેની અસર પડવાની સંભાવના વ્યકત કરીને જયાં સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યાં સુધી કોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે. રાજય સરકારના આ નિર્ણયને પગલે છેલ્લા બે મહિનાથી બી.યુ.પરમીશન વગરના સીલ કરવામાં આવેલા બિલ્ડીંગોના સીલ ખોલવાનો માર્ગ મોકળો બન્યો છે.
આગ સાથે રમત માંડતી રૂપાણી સરકાર !
અગાઉની માફક રાજયમાં જીંદગીઓ આગમાં હોમાશે તેવા કિસ્સાઓમાં જવાબદારી કોની?!