મદ્રાસ હાઈકોર્ટે ભારતમાં અસ્થાઈ રીતે રહેતા લોકોને મોટી રાહત આપી હતી. એક ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું કે ભારતમાં અસ્થાઈ રીતે રહેતા કોઈપણ નાગરિક પર ભારતના નિયમ અને ન્યાયપલિકાના ચુકાદા લાગુ પડશે. કોર્ટે આ ટિપ્પણી ઘરેલુ હિંસા સંબંધિત એક કેસ પર સુનાવણી દરમિયાન કરી હતી. મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેન્ચે એક અમેરિકી દંપતિના ઘરેલુ હિંસાના કેસ પર સુનાવણી કરતા કહ્યું કે બિન ભારતીય નિવાસી પણ કોર્ટમાં ઘરેલુ હિંસા એક્ટ 2005 હેઠળ અરજી કરી શકે છે. તેના પર એ નિયમ લાગુ નહીં પડે કે અરજદાર ભારતીય નાગરિક છે કે નહીં?
ચેન્નઈમાં એક અમેરિકી નાગરિકે તેની પત્ની દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા ઘરેલુ હિંસાના કેસને રદ કરવાની માગ કરી હતી. તેણે પોતાની અરજીમાં તર્ક આપ્યો હતો કે તેણે અમેરિકામાં ફરીફેક્સ કાઉન્ટીમાં સર્કિટ કોર્ટથી તલાક સાથે સાથે તેના જોડિયા બાળકોની કસ્ટડી પણ મેળવેલી છે એટલા માટે તેની વિરુદ્ધના કેસ પર સુનાવણી ના કરી શકાય. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એસ.એમ.સુબ્રમણ્યમે કહ્યું કે ભારતીય કોર્ટ આ મામલે સ્વતંત્ર વિચારવાનું ફક્ત એટલા માટે બંધ ન કરી શકે કેમ કે એક વિદેશી કોર્ટે આ મામલે અલગ ચુકાદો આપ્યો છે.