જામનગર શહેરના મીગ કોલોની વિસ્તારમાં રહેતા વણિક વૃદ્ધાના ઘરમાં બે અજાણ્યા શખ્સોએ ઘુસી જઈ મોઢે હાથ દઇ છરીની અણીએ રૂા.26 હજારની માલમતાની લૂંટ ચલાવી નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી છે.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં લાખોટા તળાવ પાછળ આવેલા મીગ કોલોનીમાં 11/66 વીંગમાં રહેતા જયાબેન અરવિંદભાઈ ઝવેરી (ઉ.વ.81) નામના નિવૃત્ત વૃધ્ધા મંગળવારે રાીત્રના સમયે તેના ઘરે હતાં ત્યારે બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યાં હતાં અને વૃધ્ધાના મોઢે હાથ દઈ મોઢું બંધ કરી પેટના ભાગે છરી મૂકીને રૂમના કબાટમાંથી રૂા.15 હજારની કિંમતની બે નંગ સોનાની બંગડી તથા રૂા.500 ની કિંમતનો એક ગ્રામ વાળો સોનાનો ચેઈન તેમજ રૂા.500 ની કિંમતની એક મોતીની માળા અને રૂા.10 હજારની રોકડ સહિત રૂા.26,000ની કિંમતની માલમતાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં જ પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ વૃધ્ધાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં અને આ બનાવ અંગે જાણ કરતા પીએસઆઈ આઈ આઈ નોયડા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વૃધ્ધાના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ
મીગ કોલોની વિસ્તારમાં મંગળવારે રાત્રિના ઘટના : રોકડ રકમ અને દાગીના લઇ ગયા : પોલીસ દ્વારા લૂંટારુઓની શોધખોળ