જામનગર તાલુકાના શેખપાટના પાટીયા પાસે વેપારીઓ પાસેથી છરીની અણીએ રૂા.75,500 ની રોકડ રકમ તથા રૂા.8000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.83,500 ની લૂંટ કરી બે શખ્સો નાશી છુટયા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ હરકતમાં આવી હતી અને જામનગર શહેરમાં નાકાબંધી કરી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું લૂંટને પગલે જામનગર શહેરમાં પણ સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા શહેરના સિટી એ હેઠળ આવતા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ગૌરવ રાકેશભાઈ શર્મા અને તેમની સાથેના અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારકા જિલ્લાના સલાયામાં કટલેરી સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરવા માટે આવ્યા હતાં ત્યાંથી વેપાર કર્યા બાદ તેઓ અમદાવાદ પરત જવા નિકળ્યા હતાં. આ દરમિયાન તેઓ શેખપાટ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે ગઈકાલે બપોર પછીના સમયે રોડની સાઈડમાં ટેમ્પો રાખીને ઝાડ નીચે આરામ કરવા માટે સુતા હતાં આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ આવીને ફરિયાદી તથા સાહેદોને છરી બતાવી ફરિયાદી પાસેથી રૂા.75,500 ની રોકડ તથા આઠ હજારની કિંમતનો મોબાઇલ ફોનની લૂંટ કરીને નાશી છૂટયા હતાં.
આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને જામનગર શહેર-જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. નાકાબંધીને પગલે જામનગર શહેરમાં પણ પોલીસ દ્વારા વાહનોનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.