જામજોધપુર તાલુકાના બાલવા ગામની ગોલાઈમાંથી પસાર થતી રીક્ષાના ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી ખાઇ જવાથી રીક્ષામાં મુસાફરી કરતા આધેડને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ગત તા.22 ના રાત્રિના સમયે જામનગર શહેરમાં ખોજાગેઈટ સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતો ઈમરાન મહમદ સમા તેની જીજે-10-ટીડબલ્યુ-3276 નંબરની ઓટો રીક્ષામાં મુસાફરો સાથે જામજોધપુર તાલુકાના બાલવા ગામની ગોલાઈ પરથી પસાર થતો હતો ત્યારે ગોલાઈમાં કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને રીક્ષામાં મુસાફરી કરતા ગુલજારભાઇ તથા અન્ય મહિલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ઈજાગ્રસ્ત ગુલજારભાઈનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું અને અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો. બનાવ અંગેની ઈરફાન ખીરા દ્વારા જાણ કરાતા હેકો એસ.આર.પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી રીક્ષાચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુરના બાલવા નજીક ગોલાઇમાં રીક્ષા પલ્ટી જતાં અકસ્માત
મહિલા સહિતના મુસાફરોને ઈજા : સારવારમાં રહેલા આધેડનું મોત : અકસ્માત બાદ રીક્ષાચાલક નાશી ગયો : પોલીસ દ્વારા કાર્યવાહી