જામનગર મહાનગરપાલિકાને વર્ષ 2024-2025 ના નાણાંકીય વર્ષમાં મિલકત વેરાની રૂા.156.47 કરોડ, પાણી વેરાની રૂા.31.11 કરોડની, વ્હીકલટેકસની 10.28 કરોડ, ટાઉન પ્લાનિંગની રૂા.79.57 કરોડ તથા એસ્ટટની 8.17 કરોડની આવક થઈ છે. જામનગર મહાનગરપાલિકા એ વર્ષ 2024-2025 માં રૂા.408 કરોડના કુલ રેવન્યુ ખર્ચ સામે 423 કરોડની રેવન્યુ આવક મેળવી છે. આ અંગે કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતીે.

સોમવારે નાણાંકીય વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે વર્ષ 2024-2025 ના નાણાંકીય વર્ષની જામનગર મહાનગરપાલિકાની વિવિધ વેરાની આવક સહિતની માહિતી રજૂ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં કમિશનર ડી.એન. મોદી એ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 ટેકસ આવક 123.04 કરોડ હતી જેની સામે 2024-2025 માં 156.47 કરોડની આવક થઈ છે. તેમજ વર્ષ 2023-24 વોટર આવક 31.26 કરોડ હતી જેની સામે 2024-2025 માં 31.11 કરોડની આવક થઈ છે. વર્ષ 2023-24 વ્હીકલ ટેકસ આવક 10.30 કરોડ હતી જેની સામે 2024-2025 માં 10.28 કરોડની આવક થઈ છે. વર્ષ 2023-24 ટાઉન પ્લાનિંગ આવક 74.68 કરોડ હતી જેની સામે 2024-2025 માં 79.97 કરોડની આવક થઈ છે. તેમજ વર્ષ 2023-24 એસ્ટેટ આવક 5.53 કરોડ હતી જેની સામે 2024-2025 માં 8.17 કરોડની આવક થઈ છે.
વર્ષ 2023-24 કુલ રેવન્યુ આવક 381.33 કરોડ હતી જેની સામે 2024-2025 માં 423.14 કરોડની આવક થઈ છે. વર્ષ 2023-24 કુલ રેવન્યુ ખર્ચ 364.12 કરોડ હતો જેની સામે 2024-2025 માં 408.06 કરોડનો થયો છે. વર્ષ 2023-24 કુલ કેપિટલ ખર્ચ 469 કરોડ હતી જેની સામે 2024-2025 માં 500.12 કરોડનો થયો છે.
વધુમાં જણાવાયું હતું કે, હાલમાં ફીકસ નળ કનેકશન 11 કરોડ જેટલા હોવાનો અંદાજ છે અને મિટર કનેકશન તથા ફીકસ નળ સહિત કુલ 13 કરોડ જેટલા હોવાનો અંદાજ છે હાલમાં જામનગરમાં ભૂતિયા નળ કનેકશન લગભગ નહીવત પ્રમાણમાં છે. પ્રોપર્ટી ટેકસમાં 33 કરોડ એટલે કે 27 ટકા જેટલો આવકમાં વધારો થયો છે. જામનગરમાં હાલમાં કુલ 3,12,396 મિલકતો નોંધાયેલી છે. તંત્ર દ્વારા બાકી વેરા વસૂલાત કામગીરી કરાઇ રહી છે. હાલમાં જોઇએ તો હાઉસ ટેકસ પેટે મુદલ રકમમાં 229 કરોડ જેટલી રકમ બાકી છે. જ્યારે વ્યાજના 170 કરોડ જેટલી બાકી રકમ નિકળે છે. હાલમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત પેટે સાંકેતિક કબ્જો લેવાની કામગીરી શરૂ કરાઇ છે. જામનગર મહાનગરપાલિકા પ્રથમ છે કે જેણે સાંકેતિક કબ્જો લેવાનું શરૂ કર્યુ છે.
આસી. ટેકસ કમિશનર જીગ્નેશ નિર્મળએ જણાવ્યું હતું કે, કુલ 687 જેટલા બાકી વેરાધારકોની મિલકતોનો સાંકેતિક કબ્જો લેવામાં આવ્યો છે. સરકારી બાકી વેરા અંગે જણાવાયું હતું કે રેલવે પાસે જામ્યુકોના 36 કરોડ 74 લાખની વેરાની વસુલાત બાકી છે. તે પણ તાત્કાલિક ઉઘરાવવા કામગીરી કરવામાં આવશે. જૂના વોર્ડ અનુસાર વોર્ડ નંબર-2,12,17 માં વધુ વેરા બાકી છે આ વર્ષે વ્યાજ માફીની 27 કરોડની આવક થઈ છે. જે પાછલા નાણાં બાકી હતાં તેમાં 30 ટકા અને ચાલુ બાકી નાણાંમાં 70 ટકા રિકવરી થઈ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાતને લઇ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત સ્થળ પર જઈ મિલકત કબ્જે કરવાની બદલે સાંકેતિક કબ્જા લેવામાં આવે છે. જેમાં સિટી સર્વેને આધારે કાર્યવાહી કરવામાં આવે છે. તા.16 એપ્રિલથી એડવાન્સ ટેકસની યજના પણ શરૂ થશે. અત્યાર સુધી 687 મિલકતોનો સાંકેત કબ્જો મેળવ્યા બાદ તે પૈકીના 50 થી વધુ મિલકતધારકોએ બાકી વેરો ભરપાઈ કર્યો છે. આ ઉપરાંત જીઆઇડીસી અંગે જણાવાયું હતું કે રૂા.80 કરોડની કુલ રકમમાંથી રૂા.35 કરોડ વેરાના અને વ્યાજના 12 કરોડ બાકી છે તે પણ ઉઘરાવવાની કાર્યવાહી કરાશે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, આસિ. કમિશનર (ટેક્સ) જિજ્ઞેશ નિર્મલ, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જિ. ભાવેશભાઇ જાની સહિતના પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતાં.