જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રહેતાં નિવૃત્ત સરકારી કર્મચારી તેમના પત્ની સાથે મકામદીના હજ જવા માટે અમદાવાદના ટ્રાવેર્લ્સ સંચાલક દંપતીએ રૂા.10 લાખની રકમ પચાવી પાડી છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલા રાધેક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં નિવૃત્ત સરકારી કર્મચારી રફિકભાઇ ઉસ્માનભાઈ ખીરા નામના પ્રૌઢે તેમના પત્ની સાથે મકામદીના હજ જવા માટે અમદાવાદના ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના શાહીમબેન મહમદ કાલીમ તથા મહમદ કાલીમ પરિયાણીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ટ્રાવેર્લ્સ સંચાલકોએ વૃધ્ધ પ્રૌઢને વિશ્વાસમાં લઇ વિઝા અને ટીકીટ માટે માર્ચ 2022 થી આજ દિવસ સુધીના સમય દરમિયાન રૂા.10.10 લાખની રકમ મેળવી લીધી હતી અને ત્યારબાદ પ્રૌઢ દંપતીને ટિકિટ અને વીઝા માટે અવાર-નવાર તારીખો આપતા હતાં. પરંતુ વીઝા કે ટિકિટ આપ્યા ન હતાં. અવાર-નવાર વીઝા અને ટિકિટની માંગણી કરવા છતાં ટ્રાવેર્લ્સ સંચાલકો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આખરે કંટાળીને પ્રૌઢે પોલીસમાં જાણ કરી હતી.
જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના શાહીમબેન મહમદ કાલીમ તથા મહમદ કાલીમ પરિયાણી નામના બે શખ્સો વિરૂધ્ધ રૂા.10.10 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.


