ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ આજે જાહેર થયું છે. રાજ્યના કુલ 1 લાખ 30 હજાર 388 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું.જેમાંથી 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર 27.83% વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. એટલે કે કુલ 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આજે સવારે 8 વાગ્યે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર તેનું પરિણામ જાહેર થયું છે. જેમાં 1.30લાખ વિદ્યાર્થીઓ માંથી માત્ર 27.83% જ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12 સાયન્સમાં પણ રિપીટરોની પરીક્ષાનું 15 ટકા જેટલું જ પરિણામ આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાંખીને પરિણામ જોઇ રહ્યા છે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે.15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.