અદભૂત દરિયાઇ જીવસૃષ્ટિનો અમૂલ્ય ખજાનો ધરાવતાં જામનગરના મરીન નેશનલ પાર્કમાં આવેલાં પિરોટન ટાપુમાં અવર-જવર પરનો પ્રતિબંધ 4 વર્ષ બાદ હટાવવામાં આવ્યો છે. વન વિભાગે સોમવારે આ અંગે પરિપત્ર જાહેર કરી જામનગરના બેડીબંદર નજીક આવેલાં આ ટાપુને પ્રતિબંધ મૂકત કર્યો છે. જો કે, પ્રવાસીઓ અને જીવસૃષ્ટિના અભ્યાસુઓને જવા માટે કયારે અને કેવી રીતે પરમીશન આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જામનગરથી 9 નવ નોટીકલ માઈલ દુર આવેલા અને પ્રાકૃતિક શિક્ષણ માટે જાણીતા મરીન નેશનલ પાર્કના પીરોટન ટાપુ પર જવા પર છેલ્લા ચાર વર્ષથી લાગેલો પ્રતિબંધ રાજ્યના વન વિભાગે તા.13ના રોજ દુર કરતાં પ્રકૃતિ પ્રેમીઓ માટે દરિયાઈ જીવ સૃષ્ટીના અભ્યાસની પ્રવૃતિ ફરી શરૂ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.
જામનગરથી 9 નોટીકલ માઈલ દુરના પીરોટન ટાપુ પર માનવ વસાહત નથી. દરિયાઈ સરહદી દ્રષ્ટીએ વ્યુહાત્મક મહત્વ ધરાવતા આ ટાપુ પર નેવી દ્વારા ઉભા કરાયેલા બે-ત્રણ કોટેજો, એક દીવાદાંડી, એક શિવ મંદિર અને બે-ત્રણ દરગાહો છે. આ ટાપુ પર રાત્રી રોકાણની મનાઈ છે. ચાર વર્ષ પહેલા એક ધર્મસ્થાન નજીક સરકારી તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવાનો મામલો હિન્દુ સેનાએ ઉજાગર કર્યા બાદ એજન્સીઓ દોડતી થઈ હતી.
બાદમાં વન વિભાગે ત્યાં જવા માટે પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં સોમવારે રાજ્યના ચીફ વાઈડલાઈફ વોર્ડન દ્વારા ટાપુ પરનો પ્રતિબંધ હટાવતો પરિપત્ર કર્યો હતો. તેથી હવે લોકો હવે મરીન લાઈફ એજ્યુકેશન માટે તેમજ પ્રવાસ માટે આગામી દિવસોમાં પીરોટન ટાપુની મુલાકાત લઈ શકશે. જો કે, આ માટે ગાઈડલાઈન બની રહી હોવાનું વન વિભાગ જણાવે છે. ડીસીએફ આર. સિન્થીલકુમારન કહે છે કે, જામનગરના પીરોટન ટાપુ પર જવા માટે માત્ર મરીન નેશનલ પાર્ક જ નહીં. પોલીસ, દીપ ભવન (લાઈટ હાઉસ), જિલ્લા કલેક્ટરેટ સહિતના વિભાગોની મંજુરીની આવશ્યકતા છે. તેથી હવે લોકોએ મંજુરી માટે શું કરવું ? તેમજ ક્યારે અને કેવી રીતે આવવું-જવું વગેરે તમામ મુદાઓ આવરી લઈને ગાઈડલાઈન બનાવવામાં આવી રહી છે. જેની બાદમાં જાહેરાત થશે. જામનગર મરીન નેશનલ પાર્ક હેઠળ કુલ 45 ટાપુઓ આવેલા છે, જેમાંથી રર ખુલ્લા ટાપુ છે. 23 ટાપુઓ એવા છે કે, ભરતી આવે ત્યારે ડુબી જાય અને ઓટ આવે ત્યારે બહાર આવે છે. હાલારના મરીન નેશનલ પાર્કમાં પરવાળા જીવો અને ચેરના વૃક્ષોના જંગલ છે. પરવાળાને કારણે મત્સય ઉત્પાદનમાં વધારો થાય છે. આ જ રીતે ચેરના જંગલોને કારણે દરિયાઈ ખારાશ અને જમીનનું ધોવાણ અટકે છે.