જામનગરના કામદાર કોલોનીમાં બાયોમેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતો હોય રહેવાસીઓમાં ભારે આક્રોશ છવાયો છે. આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા મોટા પ્રમાણમાં બાયો મેડીકલ વેસ્ટ ફેંકવાની ઘટના સામે આવતા આ વિસ્તારના રહેવાસીઓમાં રોષ છવાયો છે. અનેક પ્રકારની દવાઓના પેકેટ, ઓઇન્ટમેન્ટ, તેમજ દુર્ગંધ મારતી અન્ય દવાઓ સહિતનો બાયોમેડીકલ વેસ્ટ રહેણાંક વિસ્તારમાં ફેંકાય છે. જેના પરિણામે રોગચાળાની ભીતી સર્જાઇ છે. વિસ્તારમાં નાના બાળકો અને વૃદ્ધો મોટા પ્રમાણમાં રહેતાં હોય તેમના માટે આ બાયોમેડીકલ વેસ્ટ જોખમી બની શકે છે.
આ અંગે સ્થાનિકો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરાતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે બાયોમેડીકલ વેસ્ટ ફેંકાયો હોવાનું જણાવ્યું હતું.