તાલાલા તાલુકાના ધાવગીર ગામે એક સિંહ અકસ્માતે ઊંડા કૂવામાં પડી ગયો હતો. કૂવામાં પાણી ભરેલું હોવાથી સિંહ ફસાઈ ગયો હતો અને બહાર આવી શકતો ન હતો. આ દ્રશ્ય જોઈ ગ્રામજનો ગભરાઈ ગયા અને તરત જ વનવિભાગને જાણ કરી.
જાણ મળતા જ તાલાલા રેન્જની વનવિભાગની રેસ્ક્યુ ટીમ તરત સ્થળ પર પહોંચી હતી. કૂવો ઊંડો અને પાણીથી ભરેલો હોવાથી સિંહને બહાર લાવવું સહેલું નહોતું, પરંતુ વનકર્મચારીઓએ ભારે મહેનત કરીને બચાવ કામગીરી શરૂ કરી.
આ કામગીરી લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. વનવિભાગની મહેનત પરિણામે સિંહને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. બાદમાં તેને પાંજરામાં મૂકી પ્રાથમિક સારવાર માટે પશુ સંભાળ કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.


