જામનગરની રંગમતિ નદી ઉપર થઈ રહેલા પૂલના ગેરકાયદેસર બાંધકામ અંગે ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ એડવોકેટ હારૂન પલેજા દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે કાયદેસરના પગલાં લેવા માંગ કરવામાં આવી છે તેમજ આ અંગે 10 દિવસમાં નકકર કાર્યવાહી નહીં થાય તો કાયદાકીય કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, જામનગરની રંગમતિ નદી પર છેલ્લાં કેટલાંય સમયથી જમીનના મોટા ધંધાર્થીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પુલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. નદીના બંને કાંઠા તરફ આવેલી વગદાર લોકોની જમીન ઉંચા ભાવે વેંચવા આયોજન છે પરંતુ, તેને જોડતો રસ્તો ન હોવાથી હાલમાં જમીનનું વેંચાણ થતું નથી. આથી આ મોટા માથાઓ દ્વારા મનપા કે અન્ય કોઇ લગત તંત્રની પૂર્વ મંજુરી વગર ગેરકાયદેસર રીતે નદી ઉપર પલ બનાવાઈ રહ્યો છે. આ પુલનું બાંધકામ ખાનગી પેઢી દ્વારા ફકત પોતાની જમીનોના ભાવ વધારવા માટે બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે પૂલના બાંધકામની ગુણવત્તાનો પ્રશ્ર્ન પણ ઉભો થાય છે. મોરબી જેવી પુલ હોનારાત થશે તો જવાબદારી કોની ? તેમજ પુલના દબાણને કારણે પુરની પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોની જાનમાલની નુકસાની પણ થશે. આથી 10 દિવસમાં ગેરકાયદેસર પુલ બાંધનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને બાંધકામનો માલ સામાન જપ્ત કરી પુલ તોડી પાડવા માંગણી કરાઇ છે. જો કોઇ કાર્યવાહી નહીં થાય તો કાયદાકીય કાર્યવાહીની ચિમ્મકી ઉચ્ચારાઇ છે.