લાલપુરના મામલતદારને જામનગર એસીબી પોલીસે રૂા.1600 ની લાંચ લેતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. મામલતદાર અને વચેટીયો લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો હતો. અદાલત દ્વારા લાંચ લેતાં ઝડપાયેલ આરોપીના તા. 7 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ફરિયાદીના માતાના નામે આવેલ સસ્તા અનાજની દુકાનનો સંચાલન કરતા ફરિયાદી પાસેથી લાલપુરના મામલતદાર બિપીન નારાણ રાજકોટીયા એ સમયાંતરે સસ્તા અનાજની દુકાનની તપાસણીનો નિલ રિપોર્ટ કરી આપવા પેટે એક રેશન કાર્ડ/પરમીટધારક દીઠ રૂા. બે લેખે તેઓના 400 કાર્ડના માસિક રૂા.800 મુજબ બે માસના રૂા.1600 ની લાંચ માંગી આ લાંચની રકમ ખાખા નારણ સાગઠીયાને આપવા જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય આ અંગે જામનગર એસીબીનો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીની ફરિયાદના આધારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી.કે. પંડયા સુપરવીઝન હેઠળ જામનગર એસીબીના પીઆઈ એન.આર. ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા છટકુ ગોઠવી લાલપુર લક્ષ્મીપાર્ક મેઈન રોડ નજીક ખુલ્લા પ્લોટ પાસે ખાખા નારણ સાગઠીયા ને લાલપુરના મામલતદાર વતી રૂા.1600 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબી દ્વારા મામલતદાર અને વચેટીયાને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસમાં પીઆઇ આર.એમ. રાઠોડ દ્વારા એસીબીની સ્પે. કોર્ટમાં આરોપીને રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. જેમાં સરકારી વકીલ રાજેશ કે. વસીયર દ્વારા સરકાર તરફે કરેલ રજૂઆતોને ધ્યાને લઇ અદાલત દ્વારા આરોપીના તા. 7ના બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. ગઇકાલે રવિવારે રજાના દિવસે પણ આ કેસ ચલાવી આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં.