Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકશનનું કૌભાંડ!!

સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકશનનું કૌભાંડ!!

પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને પોલીસ દ્વારા તપાસ : 22 ઈન્જેકશનો મામલે ખુલાસો પુછાયો : જામ્યુકોનું બેદરકાર આરોગ્ય વિભાગ પગલાં લઇ શકશે ?!

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં હાલ કોરોના મહામારીનું સંક્રમણ સતત વધતું જાય છે અને તંત્ર દ્વારા જિલ્લાની ખાનગી હોસ્પિટલોને કોવિડ કેર બનાવવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયા માર્ગ પર આવેલી સ્વામિનારાયણ કોવિડ કેર હોસ્પિટલમાં રેમડેસિવિર મામલે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી દ્વારા 22 ઈન્જેકશન મૃતક કે અન્ય કોઇના નામે મંગાવવામાં આવ્યા છે કે કેમ ? તે અંગે જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ, જામનગરમાં એરપોર્ટ નજીક આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં મૃતક અને સાજા થઈ ઘરે જતા રહેલા દર્દીઓના નામે રેમડેસિવીર ઈન્જેકશન મંગાવતા હોવાની આશંકાના આધારે ગુરૂવારે સાંજે જિલ્લા કલેકટર રવિ શંકરની સૂચનાથી પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ત્યાં રેમડેસિવીર ઈન્જેકશન મામલે તપાસ કરવામાં આવતા આ હોસ્પિટલમાં 22 રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો હોવાનું ખૂલ્યુ હતું. તપાસ દરમિયાન મૃતક વ્યકિતના નામે રેમડેસિવીર ઈન્જેકશન મંગાવવામાં આવ્યું હતું. તેમજ સાજા થયેલા અને ઘરે જતાં રહેલા દર્દીઓના નામે રેમડેસિવીર ઈન્જેકશન મંગાવ્યા હોવાનું પ્રાથમિક તારણમાં ખૂલ્યું હતું.
પ્રાંત અધિકારીની તપાસ દરમિયાન રેમડેસિવીર ઈન્જેકશનનું કૌભાંડ બહાર આવતા આ મામલે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જેથી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ દ્વારા આચરેલા રેમડેસિવીર ઈન્જેકશન કૌભાંડમાં હવે પછીની કાર્યવાહી મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કરશે. જો કે, હવે જોવાનું એ રહે છે કે જામ્યુકો દ્વારા આ હોસ્પિટલ વિરૂધ્ધ કેવી કાર્યવાહી કરશે ?

હાલ કોરોના મહામારીમાં માનવતા દાખવતાને બદલે ખાનગી હોસ્પિટલો દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનના કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. ઉ5રાંત રાજ્યમાં અનેક સ્થળોએ બનાવટી રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો ઝડપાયાની ઘટના સામાન્ય બની ગઈ છે. ત્યારે હવે ખાનગી હોસ્પિટલો દ્વારા પણ રેમડેસિવીર ઈન્જેકશનના કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર આ હોસ્પિટલો સામે કેટલા કડક પગલાં લે છે ? તે જોવાનું રહ્યું. આમ તો હોસ્પિટલે ખરેખર આ મહામારીમાં માનવતા દાખવવી જોઇએ. પરંતુ અમુક હોસ્પિટલોના સંચાલકો દ્વારા દર્દીના સગા-વ્હાલાઓની લાચારીનો ગેરલાભ ઉઠાવી નાણાં કમાવવામાં ઉંચા નથી આવતા..!

- Advertisement -

સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના સંચાલકો સામે ગુનો નોંધો

જામનગરમાં સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકશનનું કૌભાંડ આચરવામાં આવતા આ મામલે રાજપૂત સમાજના અગ્રણી દ્વારા કલેકટર ને રજૂઆત કરી આ હોસ્પિટલના તબીબો સામે કાયદેસર ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગરના ખંભાળિયા રોડ પર એરપોર્ટ નજીક આવેલી શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા ચેકીંગ દરમિયાન 22 રેમડેસિવીર ઈન્જેકશન જથ્થો હોવા છતાં આ જથ્થો ઝીરો બતાવી મૃતક દર્દી તથા સારવાર લઇ રજા લીધા બાદ ઘરે જતાં રહેલા દર્દીઓના નામે રેમડેસિવીર ઈન્જેકશન મંગાવવાનું કૌંભાડ આચરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા એમઓયુ કરવામાં આવ્યું હોય જેથી આ કૌભાંડ અંગેની જવાબદારી મહાનગરપાલિકા ઉપર ઢોળી દેવામાં આવી છે. પરંતુ, હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા હાલના કપરા સમયમાં ઉપયોગી ઈન્જેકશન ખોટી રીતે મેળવવા માટે આચરેલા કૌભાંડ મામલે વિધીવત ગુનો નોંધી અને આ તબીબો તથા સંચાલકો પાસેથી મોટી રકમનો દંડ વસૂલાની કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત હોસ્પિટલની તમામ સગવડો ચાલુ રહે તે માટેની માગણી જિલ્લા કલેકટર રવિ શંકર સમક્ષ રાજપૂત સમાજના અગ્રણી દિલીપસિંહ જેઠવા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular