દેશમાં કોરોનાની બીજી લહેર દિવસે ને દિવસે ખતરનાક બની રહી છે. તો બીજી તરફ કેટલાક રાહતના સંકેતો પણ સાંપડી રહયા છે. કોરોનાના કેસો વધવાની ઝડપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રિકવર થઇ રહેલાં દર્દીઓની સંખ્યામાં પણ એકધારો વધારો જોવામાં આવી રહયો છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલાં પગલાંઓને કારણે સ્થિતિ વકરતી અટકી હોય તેમ જણાઇ રહયું છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3 લાખ 52 હજાર 991 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી હતી. વિશ્ર્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કેસનો આ આંક સૌથી વધુ છે. આ દરમિયાન 2,812 લોકોનાં મોત થયાં. રાહતની વાત છે કે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 2 લાખ 19 હજાર 272 લોકો સાજા થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા 28 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલમાં 28 લાખ 13 હજાર 658 દર્દી સારવાર લઈ રહ્યા છે.