દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કલેકટર અશોક શર્માના પુસ્તકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે વિમોચન કરી, વહીવટી નોકરીની સાથે સાથે લેખન દ્વારા ગીતા જ્ઞાનનો પ્રસાદ વાંચકોને પીરસતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ અશોક શર્મા પોરબંદરના કલેક્ટર હતા ત્યારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અશોક શર્મા દ્વારા લેખિત પુસ્તક “મોહન સે મોહન”નું વિમોચન કર્યું હતું.
કલેકટર અને જાણીતા આધ્યાત્મિક લેખક અશોક શર્મા વિવિધ અખબારોમાં ગીતા પર કોલમ લખતા. જેમને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળતો હતો. ત્યારે અશોક શર્માએ ગીતા પરના લખેલા છ પુસ્તકો જીવનગીતા, અધ્યાત્મગીતા, મેનેજમેન્ટગીતા, રાષ્ટ્રગીતા, વિશ્ર્વગીતા અને માનવગીતાનું સંકલિત સંપાદન કર્યું છે. “ગીતાનો જીવનધ્વનિ” પુસ્તકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.