ઓસ્ટ્રેલિયાના એડીલેડમાં રમાયેલી ટી-20 વર્લ્ડકપના સેમી ફાઇલનમાં શરમજનક પરાજય મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમે હારમાં પણ રેકોર્ડ કર્યો છે. કોઇપણ વર્લ્ડકપની સેમી ફાઇનલમાં 10 વિકેટે હારનારી ટીમ ઇન્ડિયા પહેલી ટીમ બની છે. ભારતના આ નાલેશીભર્યા પરાજય બાદ રોહિત શર્માના નેતૃત્વ સામે સવાલો ઉઠયા છે. તેમની કેપ્ટનશિપ પણ જોખમમાં આવી ગઇ છે. બીસીસીઆઇએ પણ આ અંગેના સંકેતો આપ્યા છે. સંકેતો અનુસાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને ભવિષ્યમાં ટી-20ની કપ્તાની મળી શકે છે.
મહત્ત્વની મેચમાં સ્ટાર બેટરોનું બેટ ન ચાલ્યું તો બોલરો વિકેટ માટે તરસ્યા’ને અંગ્રેજોએ ધોલાઈ કરવામાં કોઈ જ પ્રકારનું રહેમ નહીં રાખતાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડકપના સેમિફાઈનલમાં નાલેશીભર્યો પરાજય થવા પામ્યો છે.
આ સાથે જ કરોડો ચાહકોના દિલ પણ તૂટી જવા પામ્યા છે. પહેલાં ઈંગ્લીશ બોલરોએ પ્રભાવિત પ્રદર્શન કરી ભારતીય બેટરો ઉપર અંકુશ લગાવ્યો અને ત્યારપછી ઓપનરોએ ટીમ ઈન્ડિયાના ચારેય બાજુથી ધોઈ નાખી આઠ વર્ષ બાદ ફાઈનલમાં પહોંચવાનું ભારતનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું છે. જોશ બટલર અને એલેક્સ હેલ્સની અતૂટ રેકોર્ડબ્રેક ભાગીદારીથી ઈંગ્લેન્ડે ભારતને 24 બોલ બાકી રાખીને 10 વિકેટે શરમજનક પરાજય આપ્યો છે. આ ભારતની વિશ્ર્વકપમાં સંયુક્ત રીતે સૌથી મોટી હાર છે.
પાછલા વર્ષે પાકિસ્તાને તેને દુબઈમાં વર્લ્ડકપની અંદર 10 વિકેટે ધોયું હતું. ઈંગ્લેન્ડે ટી-20 ઈતિહાસમાં 10 વિકેટ બાકી રાખીને સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. સાથે જ તેણે પહેલીવાર કોઈ ટીમ ઉપર 10 વિકેટે જીત મેળવી છે. ફાઈનલમાં પહોંચેલા ઈંગ્લેન્ડનો રવિવારે પાકિસ્તાન સામે મુકાબલો થશે.
ઈંગ્લેન્ડે 169 રનના લક્ષ્યાંકને વિકેટ ગુમાવ્યા વગર 16 ઓવરમાં 170 રન બનાવીને હાંસલ કરી લીધો હતો. આ વખતના વર્લ્ડકપમાં હેલીવાર હેલ્સ (અણનમ 80 રન) અને જોશ બટલર (અણનમ 86 રન)એ સદીની ભાગીદારી કરી હતી. ગ્રુપ તબક્કામાં ટોચ પર રહેનારી ભારતીય ટીમનો એક પણ દાવ ચાલ્યો નહોતો. ભારત વતી ભુવનેશ્વરથી લઈ શમી અને શમીથી લઈ અર્શદીપ સુધીના તમામ નિષ્ફળ નિવડ્યા હતા.
પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ન તો વિરાટ (50 રન)ના બેટમાં એ તેવર જોવા મળ્યા કે ન તો મીસ્ટર 360 સૂર્યકુમાર ચમકી શક્યો. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રન બનાવીને ટીમને છ વિકેટે 168 રન સુધી પહોંચાડી હતી. પંડ્યાની તાબડતોબ બેટિંગની મદદથી છેલ્લી ચાર ઓવરમાં ભારતે 58 રન બનાવ્યા હતા.