દેશમાં યોજાતી ચૂંટણીઓમાં કાળા નાણા અને રોકડના સતત વધતા જતા પ્રભાવને ડામવા માટે ચૂંટણીપંચ દ્વારા કાનૂન મંત્રાલયને એક પત્ર લખી રાજકીય પક્ષોને મળતા રોકડ-દાન પર મર્યાદા લાદવાની ભલામણ કરી છે.
દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરણ રિત્જુને લખેલા એક પત્રમાં રાજકીય પક્ષો વધુમાં વધુ રૂા.20 કરોડ અથવા તેને મળતા ભંડોળના 20% સુધી જ રોકડમાં દાન મેળવી શકે તેવી જોગવાઈ કરવા ભલામણ કરી છે જેનાથી કાળા નાણાને ઘટાડી શકાશે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે આ માટે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમમાં સુધારા કરવાની હિમાયત કરી છે. હાલની કાનુની જોગવાઈ મુજબ રાજકીય પક્ષ રૂા.20000 સુધી રોકડમાં દાન સ્વીકારી શકે છે પણ કુલ કેટલું દાન રોકડમાં મેળવી શકે તેની કોઈ મર્યાદા નથી જેના કારણે રાજકીય પક્ષો રૂા.20000ના રોકડ દાનની હજારો પહોંચ ફાડીને જંગી રકમના મની લોન્ડ્રીંગ કરે છે. હાલમાં જ સીબીઆઈએ દેશભરમાં પાટીયા અને લેટરપેડ રાજકીય પક્ષો જે ‘ડમી’ તરીકે કાર્યરત છે તેમાં ગુજરાત સહિત દેશભરમાં દરોડા પાડયા હતા અને ફકત ગુજરાતમાં જ બે રાજકીય પક્ષો જે કદી ચૂંટણી લડતા નથી તેના દ્વારા રૂા.300 કરોડનું ભંડોળ મેળવ્યું હતું અને તેમાં મોટા ભાગે રોકડ-ભંડોળ મેળવ્યાનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ અંગે આવકવેરા ધારાની કલમ 13-એ મુજબ રાજકીય પક્ષો રૂા.2000ની વધુ રકમનું રાજકીય દાન (એકજ પહોચથી) મેળવી શકતા નથી પણ લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ આ મર્યાદા રૂા.20000ની છે. હવે આ માટે ચૂંટણી પંચ મહતમ દાન મર્યાદા નિશ્ચિત કરવા જણાવ્યુ છે.
ઉપરાંત ચૂંટણીપંચે ઉમેદવારોના ચૂંટણી ખર્ચ એક માટે એક અલગ ખાતું ખોલી તેમાં ફકત રૂા.2000થી વધુ ખર્ચમાં પેમેન્ટ, ડીજીટલ કે એકાઉન્ટ પેયી ચેકથી કરવા નિયમ દાખલ કરવા તથા રાજકીય પક્ષોને વિદેશી ભંડોળ મળે નહી તે નિશ્ચિત કરવા જણાવ્યું છે.