જામનગરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લાં એકાદ વર્ષથી કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધો લાગતા આવ્યા છે. જેમાં આ વર્ષે જામનગરમાં યોજાતી ભવ્ય રામસવારીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ જામનગરમાં રામસવારીનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે.
જામનગરમાં છેલ્લા સાડાત્રણ દાયકા કરતાં વધુ વર્ષોથી હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમી પર્વે ભવ્યાતિભવ્ય રામસવારીનું આયોજન થતું આવ્યું છે. જેમાં સમગ્ર શહેરના રામભક્તો, હિન્દુ ભાવિકો, યુવક મંડળ, જ્ઞાતિ મંડળ, સેવાભાવી સંસ્થાઓ બહોળી સંખ્યામાં જોડાઈને બપોરના ૦૪ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા દરમિયાન ભારે ઉલ્લાસપૂર્વક જોડાતા રહે છે.
પરંતુ હાલ કોરોના મહામારીની બીજી લહેર વિનાશક તથા જીવલેણ બની છે. કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. રાત્રીના ૦૮ વાગ્યાથી સમગ્ર શહેરમાં કોરોના રાત્રી કર્ફયુ લદાયો છે. તે સિવાય જાહેર સામુહિક કાર્યક્રમના આયોજનને લગતા પ્રતિબંધાત્મક સરકારી આદેશો પણ અમલમાં છે. આવી વૈશ્વિક કટોકટીના કપરાં કાળમાં વિશાળ જનસમુદાય અને ભાવિકગણના સ્વાસ્થ્યના હિતાર્થે સરકારી તંત્રના અનુરોધને ધ્યાને લઈ રામસવારીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ અને સ્વામિનારાયણ મંદિરના સંત પૂ. ચતુર્ભુજદાસજી મહારાજે ભક્તજનોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, ” મહામારીની આવી વિકટ સ્થિતિમાં લોકોએ ઘર પર રહીને જ શ્રધ્ધાપૂર્વક ભક્તિભાવ આચરવાનો છે.”
“રામનવમીના પર્વે હિન્દુ પરિવારો પોતાના નિવાસસ્થાન પર આખો દિવસ ભગવો ધ્વજ લહેરાવે. મધ્યાહ્ને શ્રીરામજન્મ સમયે ઘરમંદિરમાં પૂજન -અર્ચન – દીપ – આરતી સાથે ‘શ્રી રામ જય રામ જય જય રામ ‘ વિજયમંત્રના પાઠ-ધૂન કરે તેમજ સાંજે ઘરઆંગણે દીપ પ્રાગટ્ય કરી ને રામનવમીની આસ્થાભેર ઉજવણી કરે.”
મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસે પણ જણાવ્યું છે કે, “રામસવારીનો કાર્યક્રમ રદ કરાયો હોવાથી મંડળના સભ્યો સહિત શહેરના ભક્તજનોએ ઘરમાં રહી શ્રી રામચંદ્ર ભગવાન ને હ્રદયપૂર્વક પ્રાર્થના કરવાની કે, હાલનાં કપરાં સમયમાં સમગ્ર માનવજાતની સુરક્ષા કરી કોરોના કાળનો જલ્દીથી અંત લાવે.”