કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજકોટના જવેલર્સો માટે મોટી ભેટ સમાન દેશનું પહેલું સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) રાજકોટમાં નો પ્રોફિટ નો લોસના ધોરણે શરૂ થવા જઈ રહ્યુ છે. એસોસીએશન દ્વારા ર વર્ષથી ચાલી રહેલા પ્રયાસ સફળ રહ્યા છે.
સમગ્ર દેશમાં જવેલરી નિર્માણ માટે 5 સામાન્ય સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે જેમાં ગુજરાતમાં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હોવાનું અને આ કેન્દ્ર દિવાનપરા ખાતે ટૂંક સમયમાં કાર્યરત થશે તેમ માહિતગાર સૂત્રો જણાવે છે. ગુજરાતમાં હાલ હીરાના દાગીના માટે 4 સીએફસી (અમરેલી, પાલનપુર, વિસનગર, જૂનાગઢ) કાર્યરત છે. રાજકોટ શહેર અને આસપાસ નાના અને મધ્યમ જવેલરી ઉત્પાદકો માટે સીએફસી આશીર્વાદ રૂપ બની રહેશે. આ કેન્દ્રમાં સોના અને ચાંદીના ઘરેણાં બનાવવા માટે જરૂરી મશીનરી-ઉપકરણો, જગ્યા તથા સેવાઓ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રકચર વાજબી દરે ઉપલબ્ધ થશે. જેમ્સ અને જવેલરી ક્ષેત્રે કાર્યરત લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને આ કેન્દ્ર ઉપયોગી બની રહેશે.
નાના શહેરો અને કસબાઓમાં જેમ્સ-જવેલરી ઉત્પાદકો કટિંગ એજ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા સીએફસી સ્થાપવાની યોજના ઘડવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકારનો સહયોગ સાંપડયો છે. એસોસીએશન ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરશે અને કેન્દ્ર સરકાર 5.5 કરોડની આધુનિક મશીનરી ઉપલબ્ધ કરાવશે. આ યોજના દ્વારા રાજકોટ અને આસપાસના શહેરોના જવેલર્સોને સોના-ચાંદી અને ડાયમંડના ઘરેણાં બનાવવામાં લેસર, થ્રીડી જેવી ટેકનોલોજી અને મશીનરી ઉપલબ્ધ થશે જેનો ઉપયોગ વૈશ્વિક સ્તરે થાય છે.
રાજકોટમાં સીએફસી પ્રોજેકટ માટે સહાયરૂપ થવા સ્થાપવામાં આવેલા 50 સભ્યોના જવેલરી કલ્સ્ટર એસોસીએશના પ્રમુખ દિવ્યેશ પટાડીયાએ કહ્યુ કે રાજકોટ જવેલરી નિર્માણનું મોટુ કેન્દ્ર છે અને સીએફસીથી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે તથા વધુ રોજગારીનું સર્જન થશે.
જવેલરી હોલસેલર ભરત રાણપરીયાએ કહ્યુ કે રાજકોટમાં આધુનિક મશીનરીનો ઉપયોગ કરતાં હોય એવા અમુક મોટા એકમો છે જે જોબવર્ક કરાવતાં નથી. આ કેન્દ્ર દ્વારા દરેક જવેલર્સને વાજબી ભાવે આધુનિક મશીનરી ઉપલબ્ધ થશે.
પ્લેન ગોલ્ડ જવેલરી માટે વિખ્યાત રાજકોટમાં સોના અને ચાંદીના 80 હજાર જેટલા ઉત્પાદકો છે અને આ ઉદ્યોગ થકી 3 લાખ લોકોને સીધી કે આડકતરી રોજગારી મળે છે.