સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલાં વરસાદના સંભવત: ચોમાસાના અંતિમ રાઉન્ડના વરસાદમાં આજે છેલ્લો દિવસ હોય શકે છે. વરસાદી સિસ્ટમ આજે સૌરાષ્ટ્ર પરથી પસાર થઇ ગઇ છે. જે આવતીકાલ સુધીમાં દક્ષિણ ગુજરાત પરથી પણ પસાર થઇ જતાં ગુજરાતમાં વાતાવરણ સ્વચ્છ બનશે. આગામી દિવસોમાં ભાદરવાના બાકી રહેલાં દિવસોમાં આકરો તાપ પડવાની સંભાવના પણ જોવામાં આવી રહી છે. સતત વરસી રહેલાં વરસાદે હવે વિરામ લેતાં સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોએ હાશકારો અનુભવ્યો છે. આ વરસાદી સિસ્ટમ આવતીકાલે મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ તરફ ફંટાઇ જશે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલના જણાવ્યા અનુસાર આજનો દિવસ હજુ હળવા-મધ્યમ વરસાદનું જોર રહેશે. બંગાળની ખાડીની સિસ્ટમના પ્રભાવ હેઠળ જ આજનો દિવસ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી સમુદ્ર કાંઠા અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે છૂટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ વરસશે.
આવતીકાલથી બાકીના દિવસોમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા પડશે.ઉતર ગુજરાતમાં અમુક દિવસોએ છૂટાછવાયા ઝાપટાથી માંડીને હળવો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં આજે છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ પડશે. ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલથી બાકીના દિવસોમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા શક્ય છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમ સુધીનો વરસાદ વરસવાની શક્યતા છે. આવતીકાલથી બાકીના દિવસોમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ વરસવાની શક્યતા છે. આવતીકાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટવા લાગશે અને વરસાદી ગતિવિધિમાં પણ રાહત મળશે. આ દરમિયાન છૂટાછવાયા વાદળો રહેશે અને ક્રમશ: તાપમાન વધવાની શક્યતા છે.