Tuesday, January 14, 2025
Homeરાજ્યગુજરાતબે દિવસમાં રાજયના 184 તાલુકાઓમાં મેઘમહેર

બે દિવસમાં રાજયના 184 તાલુકાઓમાં મેઘમહેર

વાવેતરને પુન: જીવન મળતા ખેડૂતોને હાશકારો, નાગરિકોને ઉકળાટથી આંશિક રાહત : સીઝનનો સરેરાશ 17.70 ટકા વરસાદ

- Advertisement -

રાજ્યમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલી મેઘરાજના બીજા રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારથી લઇને શહેરી વિસ્તારો પણ તરબોળ થઇ ગયા છે. છેલ્લા એક પખવાડિયાના વિરામ બાદ શરૂ થયેલા વરસાદના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને વાવેતર બચી જવાનો હાશકારો થયો છે. લોકોને પણ ઉકળાટ અને બફારાથી આંશિક રાહત મળી છે. છેલ્લા બે દિવસમાં 184 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થવા પામ્યો છે. તે સાથે સીઝનનો સરેરાશ વરસાદ 17.70 ટકા થવા પામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી હળવાથી ભારે અને અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

રવિવારે બપોર પછી શરૂ થયેલો મેઘરાજાનો નવો રાઉન્ડ સોમવારે પણ જારી રહ્યો હતો. અમદાવાદ શહેરથી લઇને જૂનાગઢ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ખેડા-આણંદ, ઉમરગામ એમ લગભગ સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ થયો હતો. પાણીની અછતના કારણે પરેશાન બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને ડિસા, સૂઇગામ, ભાભર સહિતના તાલુકામાં વરસાદ થતા રાહત થવા પામી હતી. અમદાવાદ શહેરમાં શહેરમાં રવિવારે સાંજથી તોફાની વરસાદ થયા બાદ સોમવારે પણ ઝાપટા ચાલુ રહેતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. જૂનમાં સમયસર વરસાદ થયા બાદ મોટા પ્રમાણમાં વાવેતર કરીને રાહ જોતા ખેડૂતોને પણ લગભગ સાર્વત્રિક વરસાદના કારણે રાહત થવા પામી હતી. સૌરાષ્ટ્રના અનેક તાલુકા વિસ્તારો, ઉત્તર ગુજરાતના હિંમતનગર, વિજયનગર, શંખેશ્વર, સમી, પાટણ, તલોદ, બેચરાજીમાં ભારે વરસાદ થયો હતો. સોમવાર સવારથી સૂત્રાપાડા, માંગરોળ, વેરાવળ, વિસાવદર, ચોર્યાસી, ખાંભા, નખત્રાણા, માળિયા, વિગેરેમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. રવિવારે ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારના તાલુકાઓમાં વધુ વરસાદ થયો હતો. તો સોમવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વિવિધ સ્થળે હળવાથી ભારે અને અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં મંગળવારે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. તે પછી પણ અનેક જિલ્લામાં મેઘરાજાની જમાવટ જારી રહેવાની આગાહી કરાઇ છે. રાજ્યમાં જુન અને જુલાઇમાં શરૂ થયેલા વરસાદની આંકડાકીય વિશેષતા એ છે કે લગભગ તમામ ઝોનમાં સરેરાશ સપ્રમાણ વરસાદ થવા પામ્યો છે. 16 ટકાથી લઇને 18 ટકા સુધીનો વરસાદ થતા ખેતીને ભારે ફાયદો થવાનો અંદાજ મૂકાઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular