જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દશેરાની રાત્રિના શનિવારે રાવણ દહન બાદ અને રવિવારે મેઘરાજાનું ફરી આગમન થયું હતું. જેમાં વીજળીના ગળગળાટ સાથે જામજોધપુરના શેઠવડાળામાં અઢી અને જામજોધપુરમાં બે ઈંચ તથા ખંભાળિયા અને મોટાવડાળા, નિકાવામાં દોઢ-દોઢ ઈંચ, અને કલ્યાણપુરમાં સવા તથા ભાણવડમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ગરબાના અનેક આયોજનોમાં વિક્ષેપ પડયો હતો.
જામનગર અને દ્વારકા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ગરબી સાથે પલ્ટાયેલા વાતાવરણ વચ્ચે શનિવારે રાત્રિના રાવણ દહન બાદ મેઘરાજાનું ફરી આગમન થયું હતું. જેમાં જામજોધપુરમાં વીજળીના ચમકારા સાથે બે અને તાલુકાના શેઠવડાળામાં અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે જુદી જુદી ગરબીના આયોજનોમાં વિક્ષેપ પડતા ખેલૈયાઓ નિરાશ થઈ ગયા હતાં. જામનગર જિલ્લામાં શનિવારે રાત્રિના જામજોધપુરમાં દોઢ ઈંચ અને કાલાવડ તાલુકાના ખરેડીમાં એક તથા ધૂનડા અને ધ્રાફામાં પોણો-પોણો ઈંચ વરસાદ ઝાપટારૂપે વરસ્યો હતો. તેમજ પીપરટોડા શેઠવડાળા, અલિયાબાડા, દરેડ, નવાગામ અને મોટા પાંચદેવડામાં જોરદાર ઝાપટા પડયા હતાં.
રાવણ દહન બાદ શરૂ થયેલી મેઘસવારી રવિવારે પણ અવિરત રહી હતી. જેમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે મોટાવડાળા, નિકાવામાં દોઢ – દોઢ ઈંચ અને જામવણથલી, સમાણા, વાંસજાળિયા, ધ્રાફા, પરડવા અને પડાણામાં એક એક ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. ઉપરાંત લાલપુરમાં પણ એક ઈંચ, કાલાવડમાં અડધો તથા જામજોધપુરમાં ઝાપટુ અને જામનગર શહેરમાં જોરદાર ઝાપટું વરસી ગયું હતું. કાલાવડ તાલુકાના નવાગામ અને ભ.બેરાજા, મોટા પાંચદેવડા, ખરેડીમાં પોણો-પોણો ઈંચ તથા લાલપુરના ભણગોર અને મોટખા ખડબા, જાલિયાદેવાણી, ધુનડામાં અડધો અડધો ઈંચ ઝાપટું વરસી ગયું હતું.
ખંભાળિયા પંથક સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં શનિવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે. ત્યારે શનિવારે રાત્રિના વરસાદથી અનેક ગરબાના આયોજનોમાં વિક્ષેપ પડ્યો હતો. જ્યારે રવિવારે વીજળીના ગગડાટ સાથે ખંભાળિયામાં દોઢ તથા કલ્યાણપુરમાં સવા તથા ભાણવડમાં પોણો ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.
ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા ગરમીના વાતાવરણ વચ્ચે શનિવારે રાત્રે ખંભાળિયામાં વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. શનિવારે દશેરાના જુદા જુદા ગરબા મંડળોના આયોજન તેમજ સંસ્થાના ગેટ ટુ ગેધરમાં શનિવારના વરસાદથી ઉજવણીનો વિક્ષેપ થયો હતો. જેમાં ખેલૈયાઓના ખેલ બગડ્યા હતા.
આ વચ્ચે ગઈકાલે રવિવારે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના ભારે ઝાપટા શરૂ થયા હતા અને રાત્રી સુધીમાં વધુ દોઢ ઈંચ (37 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. આ ઉપરાંત શનિવારે રાત્રે ભાણવડ તાલુકામાં પણ ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા.
આસો માસમાં છવાયેલા અષાઢી માહોલમાં રવિવારે કલ્યાણપુર તાલુકામાં સવા ઈંચ (31 મી.મી.) તેમજ ભાણવડમાં પણ ગત રાત્રિના પોણો ઈંચ (16 મી.મી.) પાણી પડી જવા પામ્યું છે.
આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 92 ઈંચ, દ્વારકા તાલુકામાં 88 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 80 ઈંચ અને ભાણવડ તાલુકામાં 64 ઈંચ વરસાદ વરસી ગયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 264 ટકા થવા પામ્યો છે.
ગઈકાલે ખંભાળિયા શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. ખંભાળિયા પોરબંદર માર્ગ પરના વિંજલપર, ભાડથર, ભાતેલ, વિગેરે ગામોમાં એક ઈંચ જેટલો જ્યારે લાલપરડા, બજાણા, કંડોરણા, બારાડી બેરાજા વિગેરે ગામોમાં બે થી અઢી ઈંચ વરસાદ વરસી જતા ખેતરોમાં મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ગાજવીજ સાથેના આ વરસાદના કારણે વડત્રા ગામે એક ખેડૂતની ભેંસ પર વીજળી પડતા આ ભેંસ મૃત્યુ પામી હતી. અનેક સ્થળોએ વીજ ટ્રાન્સફોર્મર પર આકાશી વીજળી પડતા આ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા હતા.
છેલ્લા બે દિવસના આ વરસાદથી અનેક સ્થળોએ મગફળી સહિતના પાકોને નુકસાની થયા પામી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને સવારે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા.