Friday, December 27, 2024
Homeરાજ્યરેલવેકર્મીના સગર્ભા પત્નીનો પાંચ વર્ષના પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

રેલવેકર્મીના સગર્ભા પત્નીનો પાંચ વર્ષના પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

ત્રણ જીવના એક સાથે મૃત્યુ: પંથકમાં અરેરાટી : રેલવે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -


જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહેલી ટે્રન હેઠળ એક સગર્ભા મહિલાએ પોતાના પાંચ વર્ષના પુત્રને ચાલુ ટ્રેન નીચે ફેંકી દઇ પોતો પણ ઝંપલાવી દેતા માતા-પુત્ર બન્નેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે મહિલા પોતે સગર્ભા હોવાથી તેના ઉદરમાં રહેલું બાળક પણ મૃત્યુ પામ્યું છે. જેથી ભારે અરેરાટી ફેલાઈ છે. મૃતકના પતિ રેલવેમાં નોકરી કરતા હોવાથી ફરજ પરના હોવાના કારણે જામનગરથી બોલાવી લેવાયા છે. સમગ્ર મામલે રેલવે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે, જામજોધપુરમાં રેલવે સ્ટેશન નજીક રેલવેની કોલોનીના સામેના ભાગમાં ભાડાનું મકાન રાખીને રહેતા અને રેલવેમાં ટ્રોલ મેન તરીકે ફરજ બજાવતા કર્મચારી યોગેશભાઈ ભેડા (ઉ.વ.35) ના પત્ની સોનલબેન યોગેશભાઈ ભેડા (ઉ.વ.30) કે જેણે જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાસેની રેલવે લાઈન પરથી પસાર થઈ રહેલી પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેનના એન્જીન હેઠળ સો પ્રથમ તેના પાંચ વર્ષના પુત્ર મયંકને રેલવે લાઈન પર ફેંકી દીધું હતું. ત્યાર પછી પોતે પણ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લેતા બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતાં.

ટે્રન હેઠળ ઝંપલાવનાર સોનલબેન પોતે ગર્ભવતી પણ હોવાથી તેના ઉદરમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું હતું. આ બનાવને લઇને ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતાં. સમગ્ર મામલે સૌ પ્રથમ જામજોધપુર પોલીસને જાણ થવાથી જામજોધપુરની પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર પછી આ બનાવ રેલવેની હદમાં હોવાથી જેતલસર પોલીસસ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને માતા-પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં યોગેશભાઇ કે જે ટ્રોલી મેન તરીકે ફરજ બજાવે છે. તે જામનગર તરફ પોતાની ફરજ પર હતાં. દરમિયાન પાછળથી તેના પત્નીએ પોતાના પુત્રને સાથે રાખીને આ પગલું ભરી લીધું હતું. જેથી પતિ યોગેશને જામજોધપુર બોલાવી લેવાયા હતાં અને પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કયા કારણોસર આ પગલું ભરી લીધું છે ? તે હજુ કારણ જાણી શકયું નથી. યોગેશભાઈ અને સોનલબેનનો લગ્નગાળો સાડો છ વર્ષનો છે. જેમાં એક પાંચ વર્ષનો પુત્ર હતો. જે સોનલબેનની સાથે જ મૃત્યુ પામ્યો હતો. ઉપરાંત પોતે ગર્ભવતી પણ હતી. યોગેશભાઈના પિતા પણ અગાઉ રેલવેમાં ફરજ બજાવી ચૂકયા છે. રેલવે પોલીસ સમગ્ર મામલાની આગળની તપાસ ચલાવે છે. આ બનાવને લઇને જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular