જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી વિજયનગર જકાતનાકા રોડ પર આવેલ રેલ્વે ક્રોસીંગ તા.6-4-2026થી કાયમી ધોરણે બંધ કરવા માટે નોટીસ જાહેર કરાઇ છે અને વૈકલ્પીક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર ડી.એન. મોદીએ જાહેર કરેલ નોટીસમાં જણાવાયું છે કે જામનગર મહાનગર પાલિકાની હદમાં સમર્પણ સર્કલથી વિજયનગર જકાતનાકા રોડ પર સૈનિક ભવન પાસે આવેલ એલસી નં.201 પર રેલ્વે ઓવર બ્રિજ બનાવવાના કામે તમામ પ્રકારના વાહનો માટે સદરહુ રેલ્વે ક્રોસીંગ (ફાટક) તા.6-4-2026થી કાયમી ધોરણે બંધ કરવા માટે જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. જે અન્વયે કલેકટર દ્વારા તા.5-5-2023થી ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેનો હુકમ કરવા આદેશ કરાયો છે આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ પ્રકારના નાના વાહનો માટે વૈકલ્પીક વ્યવસ્થા તરીકે સમર્પણ સર્કલથી સત્યમ કોલોની અંડરબ્રિજ, રોઝી પેટ્રોલ પંપ થઇ વિજયનગર જકાતનાકા તરફ અવર-જવર થઇ શકશે. તથા તમામ પ્રકારના મોટા વાહનો માટે વૈકલ્પીક વ્યવસ્થા માટે સમર્પણ સર્કલથી નાઘેડી બાયપાસ જંકશન, સાંઢીયા પુલ થઇ વિજયનગર જકાતનાકા તરફ અવર-જવર થઇ શકશે. સમર્પણ સર્કલથી નાઘેડી બાયપાસ જંકશન, નાઘેડી પાટીયા, હિન્દુસ્તાન એનિમલ ફીડ (રેલ્વે ફાટક એલસી નં.202) થઇ વિજય નગર જકાત નાકા તરફ અવર-જવર થઇ શકશે.


