ખંભાળિયામાં આશરે ત્રણ દિવસ પૂર્વે પોલીસ દ્વારા એક યુવાનની બાઈક ડીટેઈન કરી, કરવામાં આવેલા દંડની કામગીરીને અતિરેક ગણાવી, અહીંના પીઢ રઘુવંશી દ્વારા પોલીસ તંત્ર સામે વિવિધ મુદ્દે આંદોલનનું રણશિંગુ ફૂંકી, આજે ગુરુવારે સાંજે આ મોટરસાયકલને જાહેરમાં સળગાવી કૂતરાઓને રોટલા નાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાંથી બાઈક પર પસાર થઇ રહેલા એક યુવાન પાસે જરૂરી લાયસન્સ ન હોવાના કારણે પોલીસે તેની બાઈક ડિટેઈન કરી, કાયદાકીય કાર્યવાહી કરી હતી. આ મુદ્દા સંદર્ભે અહીંના વયોવૃદ્ધ આગેવાન નટુભાઈ ગણાત્રાએ પોલીસની આ કામગીરીને અતિરેક ગણાવી, પોલીસ તંત્ર દ્વારા દારૂડિયા, જુગારીઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે તેમના દ્વારા અહીંના નગર ગેઈટ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી પાસે જાહેરમાં બાઈક રાખી, ગાદલું નાખીને ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલા આ આંદોલન વચ્ચે આજરોજ ગુરુવારે સાંજે છ વાગે તેમના દ્વારા આ સ્થળે ઉપરોક્ત બાઇકને જાહેરમાં સળગાવી નાખી કૂતરાઓને રોટલા નાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ પર વ્યાપક આક્ષેપો સાથેનો આ સમગ્ર મુદ્દો હાલ ટોક ઓફ ટાઉન બની રહ્યો છે.